વિશેષ પૂજન:મકરસંક્રાંતિએ સોમનાથ મંદિરમાં મહાદેવને તલનો શણગાર અને અભિષેક સાથે ગૌ પૂજન થશે

વેરાવળ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિર - Divya Bhaskar
સોમનાથ મંદિર
  • ગૌ પૂજન માટે દાન નોંધાવનાર ભાવિકોને મકરસંક્રાંતિના દિવસે ઓનલાઇન ઝુમ એપ મારફત પૂજન કરાવવાનું ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન

આવતીકાલે તા.14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે દાનપુણ્ય કરવાનો મહત્વનો દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિએ પૂજા, ગૌ-પૂજન જેવા અનેક સેવાકીય કાર્યો લોકો ધાર્મિક સ્થાનોમાં કરે અથવા કરાવતા હોય છે. ત્યારે મકરસંક્રાંતિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ પણ વિશેષ આયોજન કરાયુ છે.

ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, મકરસંક્રાંતિના દિવસે સવારે 9 વાગ્યે ગૌ-પૂજન, 11 વાગ્યે તલનો અભિષેક તથા સાંજે સાયમ શણગારમાં મહાદેવને તલનો વિશેષ શણગાર કરવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા 125 જેટલી ગીર-ગાયોનું ગૌ-પાલન સેવા કરવા તેમજ ખેડૂતોને ગૌ-પાલન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભહેતુથી ગૌશાળા ચલાવવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગૌ-માતાનું પાલન અને પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલનાં ભાગદોડવાળા જીવનમાં તથા શહેરોમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગો-પાલન પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં "એક ગીરગાય" માટે રૂ.31 હજારનું દાન આપીને ગીર-ગાયને દતક લઈ આ લ્હાવો લઈ શકે છે. હાલ ટ્રસ્ટ પાસે 125 જેટલી ગીરગાયો છે.

વધુમાં મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌદાન, ગૌ-પૂજા જેવી આ મુજબની સેવાનો ભાવિકો લાભ લઈ શકે તેવું આયોજન કરાયેલ છે. જેમાં (1) રૂ.31 હજારની સેવા નોંધાવી એક ગીર ગાયને દતક લેવાનો અવસર પ્રાપ્ત કરી શકશે. (2) રૂ.21 હજારની સેવા નોંધાવી એક દિવસ માટે 125 ગાયનો નિભાવ ખર્ચનું દાન આપી શકશે. (3) રૂ.1,100 ની સેવા નોંધાવી પાંચ ગૌમાતા માટે એક દિવસની ઘાસ-ચારાની સેવા નોંધાવી શકશે. (4) રૂ.251 ની પૂજા નોંધાવી મકરસંક્રાંતિએ ઓનલાઈન ઝુમ એપ મારફત ગૌ-પૂજન કરવાનો લાભ લઈ શકશે.

ઉપરોકત ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી પોતાની સેવા નોંધાવી શકે છે. આ સિવાય સંપર્ક મો.નં.9426287638, 9426287639, 9428214915, 9426287659 પર સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ ઓનલાઈન પૂજામાં જોડાઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...