જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23ના બજેટ અંગેનું બોર્ડ 18 ફેબ્રુઆરી શુક્રવારના બપોરના 12 વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં મળશેે. આ બોર્ડમાં બજેટને મંજૂર કરાશે. મનપાના કમિશ્નર રાજેશ તન્નાએ 404.72 કરોડનું બજેટ બનાવ્યું હતું જેમાં હાઉસ ટેક્ષ, દિવાબત્તી કર વગેરેમાં વધારો સૂચવ્યો હતો. જોકે, કમિશ્નરે કરેલ 9.10 કરોડના વેરા વધારાની દરખાસ્તને સ્ટેન્ડીંગ કમિટીએ ફગાવી દઇ સુધારા વધારા સાથેનું 395.61 કરોડનું બજેટ મંજૂર કરી મેયર ગીતાબેન પરમારને જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે સોંપ્યું હતું.
ત્યારે શુક્રવારે મળનાર જનરલ બોર્ડમાં આ બજેટને મંજૂર કરાશેે. દરમિયાન વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, ભાજપની બોડીએ હેપીનેસ ઇન્ડેક્ષ વધારવા વિવિધ યોજના મૂકી છે જેમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે 3,00,000ના ઇનામોની જાહેરાત કરી છે. જોકે, અગાઉ થયેલ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મનપાએ એક ફદીયું પણ ચૂકવ્યું નથી. ત્યારે માત્ર આવી કાગળ પર યોજના કર્યે હેપીનેસ ઇન્ડેક્ષ ન વધે.
જો હેપીનેસ ઇન્ડેક્ષ વધારવો હોય તો લોકોની રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીની સમસ્યા 24 કે 48 કલાકમાં ઉકેલવી જોઇએ. રસ્તા પરના ખાડા, રસ્તા પર પડેલ માટીના ઢગલા, રખડતા ભટકતા પશુ, કુતરાનો ત્રાસ વગેરેમાંથી 24 થી 48 કલાકમાં લોકોને મુક્તિ આપે તો હેપીનેસ ઇન્ડેક્ષ આપો આપ વધી જશે. રેલ્વે ફાટકની સમસ્યા દૂર કરે, નરસિંહ સરોવરનું કામ ચાલુ કરે, શહેરના બગીચા હરવા ફરવા લાયક બનાવે તો હેપીનેસ ઇન્ડેક્ષ વધી જશે. ત્યારે શાસકો આ તરફ ધ્યાન આપે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.