કાર્યવાહી:કોર્ટમાં હાજર હોવા છત્તાં માંદગીનું બહાનું કાઢતાં અરજદાર સામે ગુનો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કડક પગલાં લીધા,પુરાવા માટે સીસીટીવી ફૂટેજ મંગાવાયા

કોર્ટમાં હાજર હોવા છત્તાં ઉલટ તપાસથી બચવા માંદગીનું અને બહારગામ હોવાનું બહાનું બતાવી ગેરહાજર રહેનાર અરજદાર સામે કોર્ટે કડક પગલાં લીધા છે. એટલું જ નહિ પુરાવા એકઠા કરવા સીસી ટીવી ફૂટેજ પણ મંગાવાયા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના મુખ્ય સિનીયર સિવીલ જજ એમ.જે.ઝાલાની કોર્ટમાં અરજદાર શાંતિભાઇ રંગપરીયાએ પ્રતિવાદી જીએસએફસી વિરૂદ્ધ દાવો દાખલ કર્યો હતો.

આ દાવો 17 નવેમ્બર 2021ના વાદીની ઉલટ તપાસના સ્ટેજ પર હતો. દરમિયાન જીએસએફસીના અધિકારી અને તેમના વકિલ વાદી- શાંતિભાઇની ઉલટ તપાસ માટે કોર્ટ સમક્ષ હાજર હતા. જોકે, શાંતિભાઇ રંગપરીયા પોતાની ઉલટ તપાસ ટાળવા રિસેષ સમય સુધી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. બાદમાં ત્રાહિત વકીલ દ્વારા જણાવ્યું હતું કે, માંદગી સબબ પોતે બહારગામ હોય કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી.

માટે મુદ્દત માંગતો રિપોર્ટ રજૂ કર્યો હતો. દરમિયાન કોર્ટે મેડિકલ રિપોર્ટ રજૂ કરવાની શરતે મુદ્દત માંગતો રિપોર્ટ મંજૂર કર્યો હતો.જોકે, જીએસએફસીના અધિકારી અને તેના વકિલે કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, શાંતિભાઇ રંગપરીયા 17 નવેમ્બર 2021ના કોર્ટ લોબીમાં જ હાજર હતા! ત્યારે કોર્ટે તપાસ કરતા અરજદાર હાજર હોવા છત્તાં રિપોર્ટમાં સહિ કરી ખોટો રિપોર્ટ રજૂ કર્યો હોવાનું જણાયું હતું.

જેને પગલે શાંતિભાઇ રંગપરીયા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે તેમજ જરૂરી પુરાવા મંગાવવા સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...