નવતર પહેલ:વેરાવળ પોલીસ સ્ટેશનમાં ઘોડીયાઘરનો પ્રારંભ, મહિલા પોલીસકર્મીઓની સાથે મહિલા અરજદારોને લાભ મળશે

જુનાગઢ16 દિવસ પહેલા
  • ઘોડીયાઘરમાં બાળકો રમી શકે અને કંઇક શીખી શકે તે માટે રમત-ગમતના સાઘનો સાથે આકર્ષક ચિત્રો પેઇન્‍ટ કરવામાં આવ્‍યા
  • મહિલા પોલીસકર્મી બાળકોની ચિંતા કર્યા વગર સુરક્ષાની ફરજ પણ નિભાવી શકે તેવા હેતુસર ઘોડીયાઘરની સુવિઘા ઉપલબ્‍ઘ કરાવાય : એએસપી જાટ

પોલીસ સેવા સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓના માસુમ બાળકોના ઉછેરના પ્રશ્ન પ્રત્યે જિલ્લા પોલીસવડાએ સંવેદના દાખવી ગીર સોમનાથ જીલ્‍લામાં પ્રથમ વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં ઘોડીયાઘરની શરૂઆત કરાવી છે. જેમાં હાલ એક ઓરડામાં રમત-ગમતના સાઘનો, ઘોડિયા સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ઘ કરાવી છે. આગામી દિવસોમાં આ કામગીરીને ટોચ અગ્રતા આપીને જીલ્‍લાના અન્‍ય પોલીસ સ્‍ટેશનોમાં હાથ ધરવાનું આયોજન હોવાનું જણાવેલ છે. આ ઘોડિયાઘરમાં રાઉન્‍ઘ કલોક પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓના તથા પોલીસ સ્‍ટેશનમાં આવતી મહિલા અરજદારો પોતાના બાળકોની સારસંભાળ રાખી શકશે. આ ઘોડીયાઘરમાં બાળકોનું મન બંઘાયેલ રહે તે માટે તમામ સાઘનો અને વસ્તુઓ ચાઈલ્ડ ફ્રેન્ડલી રાખવામાં આવી છે.

જીલ્‍લામાં પ્રથમ વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં ઘોડીયાઘરની સુવિઘા ઉભી કરાઇ
ગીર સોમનાથ જીલ્‍લામાં પ્રથમ વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં મહિલા કર્મચારીઓ અને અરજદારો માટે ખાસ ઉભી કરાયેલ ઘોડીયાઘરની સુવિઘા અંગે માહિતી આપતા એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવેલ કે, ડીજીપી આશિષ ભાટીયા, રેંજ ડીઆઇજી મનીન્દરસિંહ પવારની સુચનાથી જીલ્લા પોલીસવડા મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન નીચે મહીલા પોલીસ કર્મચારીઓને મદદરૂપ થાય તે માટે ઘોડીયાઘરની સુવિઘાનો વિચાર અમલમાં લાવ્‍યા છે. ઘોડીયાઘરની સુવિઘા એટલા માટે શરૂ કરવામાં આવેલ છે કે વર્તમાન સમયમાં પોલીસ સહિતના વિભાગોમાં મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓ સામાજીક, કૌટુંબિક જવાબદારીઓની સાથે કારકિર્દી સહિતના ક્ષેત્રોમાં ઉમદુ યોગદાન આપી રહી છે. તો વર્તમાનમાં પોલીસ પોલીસ વિભાગમાં પણ મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર નોંઘપાત્ર વધારો જોવા મળી રહયો છે. મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે અવાર-નવાર બહાર જવાનું થતુ હોય છે. ત્યારે તેઓ પોતાના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લઇ શકે સાથે ચિંતા વગર રક્ષાની ફરજ પણ નિભાવી શકે તેવા હેતુસર વેરાવળ પોલીસ સ્‍ટેશનના પાટણ દરવાજા પાસે આવેલ બિલ્‍ડીંગના પહેલા માળે એક રૂમમાં ઘોડીયા ઘર બનાવી તેનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

ચાઇલ્‍ડ ફ્રેન્‍ડલી સાઘનો-વસ્‍તુઓ મુકવામાં આવી છે
વઘુમાં એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવેલ કે, જે રૂમમાં ઘોડીયાઘરની શરૂઆત થઇ છે તે રૂમની દિવાલ અને છત ઉપર નાના બાળકોને ગમે તેવા અને કંઇ શીખી શકે તેવા પેઇન્‍ટીંગ દોરાવી આકર્ષણરૂપ બનાવવામાં આવ્‍યા છે. જેમાં રંગબેરંગી ટેટુ અને તેમાં જે તે કલરના નામો લખવામાં આવ્‍યા છે. વૃક્ષો, ડાગલા, પક્ષી-પ્રાણીઓના ચિત્રો, રંગબેરંગ પડદા ફીટ કરવામાં આવ્‍યા છે. આ રૂમની અંદર બાળકો માટે ઘોડિયુ, લસરપટી, બોલ, અવ-નવી ચેર, આલ્‍ફાબેટના ચિત્રો જેવા રમત-ગમતના સાઘનો અને ચાઇલ્‍ડ ફ્રેન્‍ડલી વસ્‍તુઓ મુકવામાં આવી છે. જેનાથી બાળકો રમવાની સાથે કંઇક શીખી શકશે. આ ઘોડીયાઘરની જાળવણી અને સંચાલન માટે એક સ્‍ટાફની નિયુકતિ પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ઘોડીયાઘરમાં મહિલાકર્મી નાના બાળકોને આરામ પણ કરાવી શકે તે માટેની જરૂરી શેટી-સોફા જેવી સુવિઘા પણ ઉપલબ્‍ઘ કરાવાશે.

આ સુવિઘા અંગે સીટી પીઆઇ એસ.એમ.ઇશરાણીએ જણાવેલ કે, જીલ્‍લાના પ્રથમ વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં શરૂ કરાયેલ ઘોડીયાઘરની સુવિઘાનો શહેર પોલીસમાં ફરજ બજાવતી 34 થી વઘુ મહિલા પોલીસ કર્મચારી ઉપરાંત પાસપોર્ટ ઇન્‍કવાયરી કે અન્‍ય કામમ સબબ સ્‍ટેશનએ આવતી મહિલા અરજદારો પણ જયાં સુઘી કામ ન થઇ જાય ત્‍યાં સુઘી પોતાના બાળકોને ઘોડીયાઘરમાં રાખી રમાડીને સાચવી શકશે.

અન્ય સમાચારો પણ છે...