મતદાન જાગૃતિ:ભવનાથ ક્ષેત્રના સાધુ સંતોએ સાઇકલ રેલી યોજી મતદાન જાગૃતતા માટે અપીલ કરી

જૂનાગઢ10 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમો તેમજ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા સાઇકલ પર સવાર થઈ મતદાન જાગૃતતા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢની 5 વિધાનસભા બેઠકોની 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદાનની ટકાવારી વધે તે માટે ગિરનાર મંડળના સંતોએ સાઇકલ રેલી યોજી હતી. રવિવારે સાંજના 5 વાગ્યે ભવનાથ મહાદેવના પાવન સાનિધ્યેથી ગિરનાર મંડળ સાધુ સમાજના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુની આગેવાનીમાં શરૂ થયેલી અને કાળવા ચોકમાં પુરી થયેલી મતદાન જાગૃતિ અર્થેની સાઇકલ રેલીમાં અનેક સાધુ, સંતો જોડાયા હતા અને નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.
નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને મતદાન કરવુ જોઈએ
ભવનાથ ખાતેથી ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, બંધારણનો પર્વ એટલે કે ચૂંટણી અને ચૂંટણીમાં મતદાન કરી લોકોએ પોતાની ફરજ અદા કરવી જોઈએ. પહેલાના સમયે દેશ માટે લોકો માથા દેતા હતા પરંતુ હાલના સમયમાં મતદાન કરીને દેશ માટે કાર્ય કરવું જોઈએ. દરેક નાગરિકે પોતાની સમજણ અને સુજબુઝથી મતદાન કરવું જોઈએ. દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાતા નક્કી કરે છે. માટે જ દરેક નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને મતદાનને ગંભીરતાથી લેવું જોઈએ અને મતદાન અવશ્ય કરવુ જોઇએ.

કેવી સરકાર જોઈએ છે તે દેશવાસીઓના હાથમાં છે
દેશનો નાગરિક મતદાન કરીને પોતાની ફરજ બજાવે છે. દેશના નાગરિકનો ધર્મ મતદાનમાં ભાગ લેવો અને દેશનો વિકાસ કરી શકે તેવા પ્રામાણિક પ્રતિનિધિને પસંદ કરવાનો છે. આપણને કેવા પ્રકારની સરકાર જોઈએ છે તે આપણા દેશવાસીઓના હાથમાં છે. દરેકે મત આપવો જોઈએ, કારણ કે દરેકનો અભિપ્રાય અલગ છે. ભારતીય લોકશાહીમાં, નાગરિકો પાસે દેશના નેતૃત્વની અધ્યક્ષતા કોણ કરી શકે તે પસંદ કરવાની ક્ષમતા છે.
લોકો પોતાની ફરજ સમજીને મતદાન કરે
નાગરિકોને આ રાજકીય દુનિયામાં તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે. લોકશાહીનો સમગ્ર ઉદ્દેશ્ય રાજકીય ૫રીપેક્ષમાં પોતાની વાત કહેવા અને દરેક નાગરિકનો અવાજ સાંભળવામાં આવે તેની ખાતરી કરવાનો છે. દેશને પ્રમાણિક નાગરિકોની જરૂર છે. દેશના નેતાને પસંદ કરવામાં સામાન્ય જનતા મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમામ લોકો પોતપોતાની ફરજને યોગ્ય રીતે સમજીને મતદાન કરે તો ચોક્કસ દેશને સારી સરકાર મળે છે. દેશના નાગરિકો હંમેશા વિચારે છે કે એવા પ્રતિનિધિ અને ઉમેદવાર ઊભા હોવા જોઈએ જે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવી શકે. દેશનો સાચો શાસક જે સક્ષમ અને સાચા મનથી દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે. એવા લાયક શાસક જે દેશના નાગરિકોની સેવા કરે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લઇ શકે એવા લાયક પ્રતિનિધિને સામાન્ય જનતાના સમર્થનની જરૂર છે.

ભ્રષ્ટ નેતાઓ આવી ચૂંટણીઓ ત્યારે જ જીતે છે જ્યારે તમામ નાગરિકો મતદાનમાં ભાગ લેતા નથી. મતદાનમાં ભાગ ન લઈને કેટલાક નાગરિકો દેશની પ્રગતિની લગામ ખોટા વ્યક્તિના હાથમાં મૂકી દે છે. જો દરેક વ્યકિત મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને યોગ્ય અને ઉચિત વ્યકિતની તરફેણમાં પોતાનો મત આપે તો જ યોગ્ય ઉમેદવાર ૫સંદ કરી શકાય છે. જો તમારા વિસ્તારમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાયા નથી તેના માટે તમે જ જવાબદાર છો.
દેશને પ્રામાણિક સરકાર ત્યારે જ મળે છે જ્યારે તમામ લોકો મતદાન કરે. દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીઓમાં દેશવાસીઓએ નક્કી કરવાનું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોની બનાવવી છે.
મતદાન કરવાની તક
જો કોઈ કારણસર સરકાર પોતાની કાર્યો યોગ્ય રીતે ચલાવી શકતી ન હોય અને દેશવાસીઓ તેમના કામથી ખુશ ન હોય તો બીજી ચૂંટણી વખતે પ્રજાને ફરી મતદાન કરવાનો મોકો મળે જ છે. જેથી આ૫ણે નવી, યોગ્ય અને જવાબદાર સરકાર પસંદ કરી શકીએ.
લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે પ્રયાસ
લોકોમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે મતદાન કરવું જરૂરી છે. લોકો જાણે છે કે મતદાન કેટલું મહત્વનું છે, તેમ છતાં કેટલાક લોકો મતદાન કરવાનું ચૂકી જાય છે. આ ઘોર બેદરકારી છે. જ્યારે લોકો ઓછા મતદાન કરે છે ત્યારે ખોટા અને અપ્રમાણિક પ્રતિનિધિ રાજકીય ખુરશી પર બેસી જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા લોકો મતદાન સમયે મતદાન કરતા નથી. ઘણા લોકો મતદાનનું મહત્વ જાણતા નથી. દરેક વ્યક્તિનો મત મૂલ્યવાન છે તે તેમને સમજાવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...