મૃત્યુ બાદ જીવન એટલે અંગદાન:હવે અંગદાન માટે છેક અમદાવાદ નહીં જવુ પડે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જૂનાગઢ સિવીલની આરોગ્ય સુવિધામાં વધારો| હવે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનનું રજીસ્ટ્રેશન કરવા માટે જૂનાગઢ સિવીલને સુવિધા મળી
  • અંગદાન દ્વારા મૃત વ્યક્તિ 8 વ્યક્તિને જીવતદાન આપી શકે છે

જૂનાગઢની સિવીલ હોસ્પિટલને પણ અંગદાન લેવાની પરમિશન મળી હોય જૂનાગઢ જિલ્લામાં આરોગ્યની સુવિધામાં વધારો થયો છે. પરિણામે હવે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનનું રજીસ્ટ્રેશન કરવા માટે દર્દીના સગાને અમદાવાદ સુધી લાંબા નહિ થવું પડે. આ અંગે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, જ્યારે કોઇ વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય ત્યારે તેમના સગા સબંધી ઇચ્છે તો તેમના ઓર્ગન(અંગોનું) ડોનેશન( દાન) કરી શકે છે.

અગાઉ અંગદાનનું રજીસ્ટ્રેશન કરવા માટે જૂનાગઢ જિલ્લાના લોકોને નજીકના જિલ્લામાં કે અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવે જૂનાગઢની સિવીલ હોસ્પિટલને અંગદાન લેવાની રાજ્યની અને કેન્દ્રની પરમિશન મળી છે. આમ, સિવીલે ઓર્ગન એન્ડ ટીસ્યુ રિટ્રાઇવલ સેન્ટર તરીકે રજીસ્ટર થઇ પરવાનગી મેળવી લીધી છે. ત્યારે હવે જૂનાગઢ જિલ્લાના જે કોઇ વ્યક્તિ અંગદાન કરવા ઇચ્છતા હોય તેમણે નજીકના જિલ્લા કે અમદાવાદ સુધી લાંબા નહિ થવું પડે અને જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં બ્રેઇન સ્ટેમ ડેથ બાદ અંગનું દાન કરી શકશે.

ખાસ કરીને બ્રેઇન ડેડ અર્થાત અર્ધમૃત્યુ અવસ્થા બાદનું જીવન એટલે અંગદાન. અંગદાનમાં શરીરના 8 અવયવોનું અન્ય જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે. આમ, અંગદાન દ્વારા મૃત વ્યક્તિ 8 દર્દીને નવજીવન આપી શકે છે. જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે અંગદાન માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે આ અંગે કોઇને વધુ માહિતીની જરૂર હોય તો સિવીલના તબીબ અને કાઉન્સીલર ડો. સુમિત વડસરીયાનો 8238041100 નંબર પર સંપર્ક કરી શકે છે.

અંગદાન માટેની શું પ્રોસિઝર હોય છે?
મોટાભાગે બ્રેઇન ડેડના કિસ્સા ગંભીર એક્સીડેન્ટમાં બનતા હોય છે. માણસની બોડીનું સમગ્ર સંચાલન મગજ દ્વારા થાય છે. જ્યારે શરીરના અન્ય અંગો જીવિત હોય પરંતુ બ્રેઇન ડેડ હોય તો તેને જીવીત કરી શકાતું નથી. ત્યારે બ્રેઇન ડેડ વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. જ્યાં સુધી વેન્ટીલેટર પર હોય ત્યાં સુધી તે જીવિત રહે છે. જો વેન્ટીલેટર હટાવી લેવામાં આવે તો દર્દીનું મૃત્યુ થાય છે. ત્યાર બાદ કોઇ અંગ કામ આવતા નથી. ત્યારે દર્દીના સગા બ્રેઇન ડેડ અવસ્થામાં જ અંગદાન કરવા ઇચ્છેતો તેમના અંગ કાઢી લઇ અન્ય દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે.

કૌભાંડ અટકાવવા રજીસ્ટ્રેશન જરૂરી
જ્યારે કોઇના શરીરમાં અંગનું પ્રત્યારોપણ કરવાનું હોય તો નજીકના કે લોહીના સગા અંગદાન કરી શકે તેવો કાયદો છે. જેમાં પત્નિ, લોહીના સબંધ ધરાવતા કુટુંબના સગા જેવા કે ભાઇ, બહેન, માતા, પિતા, મામા, માસીના પરિવારજનો. આવા કોઇ સબંધી અંગદાન કરવા તૈયાર થાય તો અંગ પ્રત્યારોપણ કરી શકાય છે. ખાસ કરીને કોઇની કિડની કે શરીરના અન્ય અંગો ચોરી-કાઢી લઇને કે પૈસાની લાલચ આપી અંગોનું કોઇનામાં પ્રત્યારોપણ ન થાય અને કૌભાંડ ન થાય તે માટે રજીસ્ટ્રેશનનો આવો કાયદો બનાવ્યો છે.

ક્યાં ક્યાં અંગોનું દાન કરી શકાય છે?
બ્રેઇન ડેડ વ્યક્તિના 8 અંગોનું દાન થઇ શકે છે. આમાં ફેફસા, લીવર, આંખ, હ્રદય, કિડની, પેન્ક્રિયાઝ અને આંતરડાનો સમાવેશ થાય છે.

શું છે કાયદાકીય પ્રક્રિયા ?
અંગદાન લેવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા રાખવામાં આવી છે. આમાં રાજ્ય લેવલે સોટ્ટો અને કેન્દ્ર લેવલે નોટ્ટો બન્નેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. તેમની પરમિશન હોય તે હોસ્પિટલ જ અંગદાન કરવા માટે ઓર્ગન ડોનેશન લઇ શકે છે. જે ખાનગી હોસ્પિટલોએ અંગદાન લીધા છે તેમણે પણ નોટ્ટો અને સોટ્ટોના નિયમ અને તેમની ગાઇડ લાઇન મુજબ પરમિશન મેળવવી પડે છેે પછી ઓર્ગન ડોનેશન માટે લઇ શકે છે. ત્યારે જે ખાનગી હોસ્પિટલે નોટ્ટો અને સોટ્ટોમાંથી એપ્રુવલ મેળવ્યું હશે તે જ અંગદાન લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...