• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Now For 1 Month There Will Be A Huge Crowd Of Devotees In All The Shivalayams Of The City From The First Day Of Shravan Junagadh Became Shivamaya.

બમબમ ભોલે:હવે 1 મહિના સુધી શહેરના દરેક શિવાલયોમાં ભક્તોની રહેશે ભારે ભીડ શ્રાવણના પ્રથમ દિવસથી જ જૂનાગઢ બન્યું શિવમય

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ સુદ એકમથી શિવજીના પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન બની રહ્યા છે. શહેરના અને ગિરનારના જંગલ, ભવનાથમાં આવેલા દરેક શિવાલયો હર હર મહાદેવ હર, બમ બમ ભોલેના નાદ ગુંજી રહ્યા છેે. શિવભક્તો વ્હેલી સવારથી જ શિવજીની પૂજા કરવા નિકળી પડતા હોય શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ શિવમય બન્યું છે. શિવજીની પૂજા સાથે અનેક ભાવિકો એકટાણાં કે ઉપવાસ પણ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. શિવમંદિરોમાં અનેક પ્રકારે શિવજીની પૂજા, ઉપાસના, આરાધના કરવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં શિવભક્તો શિવજીના મંદિરે ઉમટી રહ્યા છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ સ્થિત ભવ તારે ભવનાથ ગણાતા અને જેના પાવન સાનિધ્યે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે તેવા ભવનાથ મંદિરે પણ દર્શન, પૂજા કરવા ભક્તોની ભીડ શરૂ થઇ રહી છે.

ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાની ચારેય પ્રહર પૂજા કરવામાં આવી રહી છે તેમજ વિવિધ સુગંધીત દ્રવ્યોથી અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે એક મહિના સુધી શિવભક્તો ભોળાનાથની પૂજામાં લીન થઇ તેમના આશિર્વાદ મેળવી જીવન ધન્ય કરશે. શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ અબાલ, વૃદ્ધ સૌ કોઇ શિવજીની ભક્તિમાં મગ્ન બની રહ્યા છે. સાથે શહેરના તમામ શિવમંદિરોને રોશનીથી ઝળહળતા કરી દેવાયા છે. તસવીર: મેહુલ ચોટલીયા

ફળો, ફરાળી વસ્તુના ભાવમાં વધારો
શ્રાવણ માસમાં અનેક શિવભક્તો એકટાણાં કરતા હોય અથવા ઉપવાસ કરતા હોય છે. પરિણામે અન્નનો ઉપયોગ થતો ન હોય કેળા, ચિકુ, દાડમ, પપૈયા જેવા ફળોની માંગ વધી જાય છે. સાથે ફરાળી વસ્તુની માંગ પણ વધી જાય છે. બટેટાનો વપરાશ વધતા તેની માંગ પણ વધી જાય છે. પરિણામે આવી વસ્તુના ભાવમાં ભારે વધારો થઇ રહ્યો છે. કેળાના ભાવ કિલોના 20માંથી 40 થઇ ગયા છે. બટેટા 20ના કિલોમાંથી 30ના થઇ ગયા છે.સાથે રાજીગરાનો લોટ, વેફર, ચેવડો જેવી ફરાળી વસ્તુના ભાવમાં પણ 20 ટકા કરતા વધુનો વધારો થયો છે.

આ મંદિરોમાં ભીડ વધુ રહેશે
ભવનાથ મહાદેવ મંદિર, વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ સ્થિત બિલનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડાના સિદ્ધનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા વિસ્તારના જાગનાથ મહાદેવ મંદિર, જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર, સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિરમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ટીંબાવાડી- દિપાંજલીના ઓમકારેશ્વર મહાદેવ મંદિર, મધુરમના મંગલધામ 3 સ્થિત મંગલેશ્વર મહાદેવ મંદિર, દોલતપરા સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર મહાદેવ મંદિર સહિતના અનેક મંદિરોમાં ભીડ રહેશે.

શનિ, રવિ, સોમવારે ભીડ વધશે
જેની શિવભક્તો લાંબા સમયથી રાહ જોતા હતા તે શિવજીનો પ્રિય પાવનકારી શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શહેરભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. એમાંપણ શનિ, રવિની રજામાં સાંજના સમયે ભાવિકોની ભીડ વધશે અને ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે તો શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...