આયોજન:સવા વર્ષથી તૈયાર સીએનજી પ્લાન્ટમાંથી એક પણ બોટલ હજી સુધી નથી ભરાઇ !!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીના કચરામાંથી સીએનજી બનાવી સીટી બસ ચલાવવાનું આયોજન ધૂળ ખાય છે

જૂનાગઢ મનપા દ્વારા શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરવા માટે રૂ. 4.69 કરોડના ખર્ચે ડમ્પીંગ સાઇટ ખાતે નવો નકોર સીએનજી પ્લાન્ટ તૈયાર કરી તેનું લોકાર્પણ સુદ્ધાં કરી દેવામાં આવ્યું છે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનાર ગુજરાતની પ્રથમ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ હોવાનો દાવો પણ કરાયો હતો.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડિયાએ ગત નવે. 2021 માં જૂનાગઢના ઇવનગર ખાતે મનપા દ્વારા રૂ. 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટનામાંથી જૂનાગઢે રાજ્યમાં આ પહેલ કરી હોવાનો દાવો પણ કરાયો હતો.

એ વખતે જૂનાગઢ મનપાના એવો દાવો કર્યો હતો કે, શહેરમાંથી રોજ 130 ટન કચરો હોટલ, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી એકઠો થાય છે. એ પૈકી 50 ટન કચરો ભીનો હોય છે. આ ભીના કચરામાં રસોડાનો એંઠવાડ, શાકભાજીનો અને બીજો ભીનો કચરો સામેલ હોય છે. હવે આ પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે.

વળી કાર્બન ક્રેડિટ થકી જે કમાણી થશે એ જુદી. જૂનાગઢ મનપાને આ પ્લાન્ટ થકી યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રીની મંજૂરી મળી ગઇ છે. જે તેને ખુલ્લા બજારમાં વેચશે. આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાને સોંપાઇ છે. જે 5 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે.

જોકે, આજની સ્થિતી એ છે કે, પ્લાન્ટ તૈયાર થઇ ગયાને સવા વર્ષનો સમય વિતી ગયો છે. આમ છત્તાં આ પ્લાન્ટમાંથી ગેસની એક બોટલ પણ ભરાઇ નથી. મનપાના સુત્રો કહે છે કે, લોકોને ભીનો કચરો અલગ આપવાની આદત ન હોવાથી સીએનજી બનાવવા જોઇએ તેટલી ફીડ મળતી નથી.

મનપાને કમાણી થવાની વાત હતી
જો 2 ઘનમીટરનો બાયોગેસ પ્લાન્ટ હોય તો વર્ષે 3.5 કાર્બન ક્રેડિટ મળે. તેની સામે મનપાનો આ પ્લાન્ટ 1200 ઘનમીટરનો છે. જે મીથેનમાંથી સીએનજી બનાવે. એમાંથી તેને 4000 કાર્બન ક્રેડિટ મળે. અને સીએનજી સીટી બસ શરૂ થાય એમાંથી 4,500 કાર્બન ક્રેડિટ મળે. આ રીતે અંદાજે 9000 ક્રેડિટની ગણતરી કરતાં મનપાને વર્ષે 20.25 લાખની કમાણી થવાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. જોકે, હવે આ બધી વાતો હવામાં ઓગળી ગયાની સ્થિતી પ્રવર્તે છે.

આજ ગેસથી સિટી બસ ચલાવવાની વાત હતી
મનપા એજન્સી પાસેથી બજાર કરતાં કિલો દીઠ 2 રૂપિયા સસ્તો સીએનજી મેળવશે. અને એમાંથી સીટી બસ ચલાવશે. એવી વાત હતી. પણ મૂળ હજી પ્લાન્ટની ટાંકીમાં કચરોજ નથી ઠલવાયો ત્યાં ગેસ ઉત્પન્ન થવાની તો વાતજ ક્યાં કરવી. તસવીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...