જૂનાગઢમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાઇ રહી છે. જોકે,આ વર્ષે મોટાભાગના પેપર સહેલા નિકળ્યા હોય વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન શુક્રવારે બેઝિક ગણિતનું પેપર હતું.
આ પેપર અંગે ધોરણ 10ના ગણિત વિષયના નિષ્ણાંત શિક્ષક અને નંદનવન હાઇસ્કૂલના સંચાલક ધર્મેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે, બહુજ સહેલું પેપર હતું. ટેક્ષબુકમાંથી દરવર્ષની જેમ આ વર્ષે પણ પાયથા ગોરસનો પ્રમેય પૂછાયો હતો જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી ન હતી. એકપણ અટપટો કે મુંઝવણ કરે તેવો પ્રશ્ન ન હતો.
પરિણામે વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી શકશે. સહેલા પેપરની ખુશી પેપર પૂરૂં થયા બાદ છાત્રોના ચહેરા પર જોવા મળતી હતી. જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયનું પેપર હતું. આ પેપર અંગે આલ્ફા હાઇસ્કૂલના અર્થશાસ્ત્રના શિક્ષીકા પુનમબેન સુરૈયાએ જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્ર સબ્જેક્ટ થિયરીકલ બેઝ હોઇ થોડું હાર્ડ લાગતું હોય છે.
જોકે, જેમણે ટેક્સબુકને રિફર કરી હતી તેને કોઇ મુશ્કેલી પડી ન હતી.જોકે, વિભાગ સી માં 29મો પ્રશ્ન ફેરવીને પૂછાયો હોય થોડો મુશ્કેલ હતો. જોકે, દરવર્ષે પેપર લાંબુ હોય સમયસર પેપર ભરવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ આ વખતે સરળ રીતે પૂછાતા સમયસર પેપર ભરાઇ ગયું હતું. પરિણામે છાત્રો 90 થી વધુ માર્કસ મેળવી શકશે તેવી શક્યતા છે.
દરમિયાન ધોરણ 10માં કુલ 20,267 છાત્રોમાંથી 19,676 હાજર રહ્યા હતા જ્યારે 591 ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12માં 11,857માંથી 11,682 હાજર રહ્યા હતા અને 175 ગેરહાજર રહ્યા હતા. આ વર્ષે મોટાભાગે તમામ પેપરો સહેલા નિકળતા હોઇ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.
ધોરણ 10માં 3 કોપીકેસ નોંધાયા
ધોરણ 10ની પરીક્ષામાં શુક્રવારે 3 કોપીકેસ થયા હતા. બેઝિક ગણિતના પેપરમાં જૂનાગઢની કેમ્બ્રિઝ હાઇસ્કૂલમાં 1 કોપીકેસ થયો હતો. જ્યારે કેશોદની સિગ્મા ગૃપ ઓફ સ્કૂલ અને વી.એસ. પબ્લીક સ્કૂલમાં 1-1 કોપી કેસ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.