પરિક્રમા:આરામ ન કર્યો, પણ ભીડ એટલી બધી કે પરિક્રમા 20 કલાકે પૂરી થઇ શકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન પરિક્રમાર્થીઓએ માર્ગો સાંકડા પડી જાય એટલા ભાવિકો હોવાનું જણાવ્યું

ગીરનાર પરિક્રમામાં આ વખતે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો આવ્યા છે. ત્યારે પરિક્રમા કરીને પરત આવેલા 3 યુવાનો પાસેથી વિગતો જાણતાં તેઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને માણવેલા રસ્તો સાંકડો પડી જતો હોઇ ખુબજ ધીમે આગળ વધી શકાતું હતું.

ભાવનગરથી સુભાષ બાજક નામનો 20 વર્ષીય યુવાન 2 મિત્રો સાથે પરિક્રમામાં આવ્યો હતો. દિવ્ય ભાસ્કર દ્વારા પરિક્રમામાં ક્યાં કેવો અનુભવ રહ્યો તેના વિશે પૂછતાં તેણે પોતાના શબ્દોમાં જણાવ્યું હતું કે, અમે તા. 3 નવે. 2022 ના રોજ સાંજે જૂનાગઢ આવ્યા. અને સાંજે જમીને રાત્રે 12 વાગ્યે પરિક્રમા શરૂ કરી. શરૂઆત હતી અને રાત્રિનો સમય હતો એટલે ઇંટવાની ઘોડી તો આરામથી ચઢી ગયા.

અમે શરૂઆતમાં ચાલવાની સ્પીડ ઓછી રાખી હતી. રસ્તામાં ઠંડી ખુબજ હતી. પણ ચાલતા હોઇએ એટલે ન લાગે. હા જો 15 મીનીટથી વધુ થાક ખાવા બેસીએ તો બહુ ઠંડી લાગે. રાત્રે અમને બહુ ભૂખ નહોતી લાગી. માર્ગ પર અંધારું હતું. પણ ટોર્ચ અને મોબાઇલની લાઇટ હતી. છત્તાં આટલા બધા લોકો સાથે ચાલતા હોય એટલે બહુ વાંધો ન આવે.

ઝીણાબાવાની મઢીની પહેલાં અમે થોડીવાર બેઠા અને સાથે લાવેલો સુકો નાસ્તો ખાધો. પછી આગળ ચાલ્યા. સતત ચાલવાને લીધે ક્યાંય પણ 10-15 મીનીટ બેસીએ તો તરત નીંદર આવી જતી હતી. એમાં સૌથી વધુ તકલીફ માળવેલાની ઘોડી ચઢતી વખતે પડી. રસ્તામાં ઝીણાબાવાની મઢીથી પાણીની 2 બોટલ ભરી હતી. માણવેલા આવતાં ખાલી થઇ ગઇ. તરસ ખુબ લાગતી હતી. વળી સતત ચઢાણને લીધે શ્વાસ ચઢતો હતો અને પગ પણ દુ:ખતા હતા. રાત્રે અન્નક્ષેત્રોમાં ભોજન નહીં ફક્ત નાસ્તો અને ચા મળે. માળવેલાની ઘોડી પર રસ્તો સાંકડો હોવાથી ખુબજ ભીડ હતી.

ગીર્દી છેવટ સુધી હતી. સામાન અમે ઓછો જ રાખ્યો હતો. છત્તાં ખભે થેલો ભરાવેલો હોય એટલે ઉભવામાં પણ તકલીફ પડે. આમ માળવેલા અને ત્યાંથી નળપાણી સુધી ચાલવામાં વધુ તકલીફ અનુભવી. જોકે, નળપાણી ઘોડી વટાવ્યા પછી શ્વાસ નહોતો ચઢતો. કારણકે, પછી ક્યાંય ઘોડી ચઢવાની નહોતી. ફક્ત ઢાળ ઉતરવાના હતા. પણ ત્યાંથી પગનાં તળિયાં દુ:ખવાનું શરૂ થયું.

અને રસ્તામાં ભીડને લીધે ચાલવાની સ્પીડ એટલી ધીમી પડી ગઇ કે, અમે છેક બીજા દિવસે તા. 4 નવે. 2022 ની સાંજે 7 વાગ્યે ભવનાથ પહોંચ્યા. ટૂંકમાં, ભીડને લીધે પરિક્રમા પૂરી કરવામાં 20 કલાક લાગ્યા. રસ્તામાં અમે જોકે, ઘેરથી લાવેલ નાસ્તો ફક્ત એક વખત ખાધો. બાકી ફક્ત પાણી, સોડા અને લીંબુ શરબતજ પીધા એટલે બહુ વાંધો નથી આવ્યો.

અન્ય સમાચારો પણ છે...