જૂનાગઢમાં દોલતપરામાં રહેતા યુવાનને પડોશમાં રહેતી યુવતીના પ્રેમસંબંધની વાત તેણીની માતાને કરી હતી. આ વાતને મનમાં રાખી પ્રેમી સહિતના ત્રણ શખ્સોએ યુવાનને જંગલમાં લઈ જઈ દારૂ પીવડાવ્યા બાદ ઢોર માર માર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રેમ સંબંધ વિશે માતાને કહેતા પ્રેમીને રોષે ભરાયો
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા વિપુલ પરસોતમ ચૌહાણના પડોશમાં રહેતી એક યુવતીને મેહુલ રમેશ કોળી નામના યુવમ સાથે પ્રેમસંબંધ હોવાથી તે અગાશી ઉપર યુવતીને મળવા આવતો હતો. ત્યારે એક વખત બંન્નેને મળતા વિપુલ જોઈ ગયો હતો. જે અંગે તેણે યુવતીની માતાને વાત કરી હતી. આ વાતનું મનદુ:ખના કારણે વિપુલને કોઈ બહાનું કરી મેહુલ કોળી નજીકમાં આવેલા જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં અગાઉથી તેના બે મિત્રો હાજર હતા. ત્રણેયએ પહેલા વિપુલને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો અને બાદમાં લમધારી નાખી મારમાર્યો હતો.
યુવાને બૂમો પાડતા ફોરેસ્ટ જવાનો પહોંચ્યા
વિપુલે બૂમો પાડતા ત્યાંથી નીકળી રહેલ બે ફોરેસ્ટ કર્મીઓ નજીક આવતા ત્રણેક શખ્સો નાસી ગયા હતા અને જતા-જતા ફરિયાદ કરીશ તો મારી નાંખશું એવી ધમકી પણ આપી હતી. બાદમાં વિપુલ એક વ્યક્તિના બાઇક પર બેસી ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી તેને 108 માં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે વિપુલ ચૌહાણએ ઉપરોકત વિગતો સાથે મેહુલ રમેશ કોળી અને બે અજાણ્યાં શખ્સો સામે ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે ગુનો વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.