વિરોધ:જુનાગઢમાં NCPના કાર્યકરો તગારા -પાવડા લઈ ખાડા બૂરવા નીકળ્યાં, રેશ્મા પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, 10ની અટકાયત

જુનાગઢએક વર્ષ પહેલા
જુનાગઢમાં ગાંધી ચોક નજીક ખરાબ રોડ મુદ્દે વિરોધ કરતા રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી હતી - Divya Bhaskar
જુનાગઢમાં ગાંધી ચોક નજીક ખરાબ રોડ મુદ્દે વિરોધ કરતા રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી હતી
  • રોડ-રસ્તાનો ટેક્સ લોકો પાસે ઉઘરાવી ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં વાપરે છેઃ રેશ્મા પટેલ

આ વર્ષે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના રોડ-રસ્તાની ખરાબ હાલત બની ગઈ છે. આથી આજે જુનાગઢમાં NCPના નેતા રેશ્મા પટેલ અને કાર્યકરો ખાડા બૂરવા માટે તગારા પાવડા સાથે એકત્ર થયા હતા. જુનાગઢના ગાંધી ચોક ખાતે રસ્તા પર ખાડા બૂરે તે પહેલા જ રેશ્મા પટેલ સહિત 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલીસ અને રેશ્મા પટેલ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

રેશ્મા પટેલ સહિત કાર્યકરો રસ્તા પર બેસી સુત્રોચ્ચાર કર્યા ગાધી ચોક ખાતે ખાડા બૂરવાનો કાર્યક્રમ યોજે તે પહેલા રેશ્મા પટેલ અને કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને તાનાશાહી નહીં ચલેગી, હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. રેશ્મા પટેલે પોતાના માથા પર રેતી ભરેલું તગારૂ પણ ઉચક્યું હતું. રસ્તા પર બેસી જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જો કે આ સમયે પોલીસે તમામની અટકાયત કરી હતી.

વિજય રૂપાણીનું અમે રાજીનામું માગ્યું છેઃ રેશ્મા પટેલ
જુનાગઢ જિલ્લા-તાલુકાઓના રોડ-રસ્તાની ભારે વરસાદને કારણે બિસ્માર હાલત બની ગઈ છે. આ અંગે NCPએ ખાડા બૂરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને ભાજપ સરકારમાં ચાલતી પોલંપોલને ખુલ્લી પાડી લોકોના હિતમાં રજુઆત ભાજપ સરકારને કરી છે. રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, જુનાગઢમાં આજે અમે ખાડા બૂરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. સમગ્ર જુનાગઢ NCP ટીમ અને આજુબાજુના વિસ્તારના કાર્યકરો પણ જોડાયા હતા. લોકો ટેક્સના પૈસા ભરે છે પરંતુ ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં વાપરે છે. ભાજપનો વિકાસ હવે ખાડે પડ્યો છે. ખાડાના કારણે અકસ્માત થાય છે તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. આ ગુજરાત મોડલની વાસ્તવિકતા છે. સમગ્ર NCP ટીમે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું માગ્યું છે. આગળના દિવસોમાં અમે આ રીતે જ ખાડા બૂરવાના કાર્યક્રમો યોજીશું.

(અતુલ મહેતા, જુનાગઢ)