સાસણના એક શખ્સે પત્ની પાસે પૈસા માંગ્યા બાદ પત્નીએ ન આપતાં પતિએ તેને તલવારી ઝીંકી બાદમાં નદી કાંઠે લઇ જઇ 45 ફૂટ ઉંચાઇએથી તેનો ઘા કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. સાસણના શબ્બીર ઉર્ફે સુખ્ખો ગુલમોહંમદભાઇ બ્લોચ (ઉ. 35) એ થોડા વખત પહેલાં પોતાની પત્ની પાસે પૈસા માંગ્યા હતા. પણ પત્નીએ ના પાડતાં તેને બેફામ ગાળો દઇ માર મારી બાદમાં તલવારથી ઘાયલ કરી હતી.
ત્યારબાદ તેને નદીકાંઠે લઇ ગયો હતો. અને 45 ફૂટ ઉંચાઇએથી ઘા કર્યો હતો. જોકે, બાદમાં પત્ની બચી ગઇ હતી. અને શબ્બીર સામે પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરી હતી કે, આર્થિક સંકડામણને લીધે તેની માનસિક હાલત સારી ન હોઇ આ બનાવ બન્યો હતો. વળી પોતાની પત્નીને સારું થઇ ગયું છે અને તેને હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવાઇ છે.
અને પોતાની સામે હત્યાના પ્રયાસની કલમ રાજકીય દબાણવશ લગાવાઇ છે. જોકે, આની સામે સરકારી વકીલ એમ. પી. વાઘેલાએ એવી દલીલ કરી હતી કે, આરોપીએ પત્નીને તલવારથી ઘાયલ કરી મારી નાંખવાના ઇરાદે તેનો નદીમાં ઘા કર્યો. અને માન્યું કે તે મૃત્યુ પામી છે. વળી તેની પત્ની હાલ સાસણમાંજ રહે છે. આથી જો તેને છોડવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે એમ છે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રીઝવાના બુખારીએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.