વેરાવળ શહેરમાં ગતરાત્રીના એક તરફ કોમી તણાવ સર્જાયો હતો. તો બીજી તરફ તણાવગ્રસ્ત વિસ્તારમાં આવેલા પૌરાણિક હનુમાન મંદિરમાં આરાધના કરતા ભાવિકોની સુરક્ષા માટે મુસ્લિમ સમુદાયના લોકોએ સામેથી ચાલી આવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંવેદનશીલ વેરાવળમાં ગઇકાલે એક વાયરલ થયેલા વિવાદિત વીડિયોને લઇ બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય હતી. જોકે, પોલીસે સર્તકતાથી મામલો થાળે પાડયો હતો. થોડા સમય માટે સંવેદનશીલ વેરાવળ શહેરની શાંતિ ડોહળાઇ જવાની વચ્ચે કોમી તનાવ ચરણસીમાએ પહોચ્યાની પરિસ્થિતિ વચ્ચે શહેરના એક લઘુમતિ વિસ્તારમાં કોમી એકતા ભાઇચારાનું પણ ઉદાહરણ જોવા મળ્યું હતું.
શહેરના સંકજાના ડેલા તરીકે જાણીતા લઘુમતિ વિસ્તારમાં પૌરાણીક મોટા હનુમાન મંદિર આવેલું છે. જયાં ભક્તિસભર કાર્યક્રમો ચાલી રહ્યા હતા. એ સમયે જ શહેરના બીજા વિસ્તારમાં એક ઘટનાને લઈ તનાણ ઉભો થયો હતો. ત્યારે આ વિસ્તારના મુસ્લીમ સમાજના લોકો મંદિરની રક્ષા અર્થે સામેથી ચાલીને આવી મંદિરમાં ઘાર્મીક કાર્યક્રમો ચાલુ રાખવા જણાવ્યું હતું. આમ અમુક ટીખળખોરોની ટીખળથી ડહોળાયેલા વાતાવરણ વચ્ચે કોમી એકતાના દ્રશ્યો લઘુમતિ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
આ અંગે મોટા હનુમાન મંદિરે હાજર પ્રત્યક્ષદર્શી સેવક અશ્વીન સુયાણીએ જણાવ્યું કે, શહેરમાં સંકજાના ડેલા તરીકે પ્રખ્યાત વિસ્તારમાં બે મસ્જીદોની વચ્ચે બિરાજમાન મોટા હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલું છે. હનુમાન જયંતિ પર્વે વર્ષોથી આ મંદિરે દિવસભર બટુક ભોજન, ઘાર્મીક કાર્યક્રમો સાથે રાત્રીના ઘુન-ભજનના કાર્યક્રમો યોજાય છે. તે નિત્યક્રમ મુજબ ગઇકાલે હનુમાન જયંતિના દિવસે દિવસભર ઘાર્મીક કાર્યક્રમો યોજાયા બાદ રાત્રીના ઘુન-ભજનના કાર્યક્રમો ચાલી રહ્યા હતા. ત્યારે બારેક વાગ્યા આસપાસ શહેરના અન્ય વિસ્તારમાં કોઇ વીડિયોને લઇ બે સમુદાયના લોકો વચ્ચે તનાવ ઉભો થવાથી શહેરની શાંતિ ડહોળાય રહ્યાની માહિતી મંદિરે ઘુન-ભજન કરતા અમારા જેવા ભકતોને મળી હતી.
વધુમાં જણાવ્યું કે, આ સમયે જ સંકજાના ડેલા વિસ્તારમાં રહેતા મુસ્લીમ સમાજના ઘણા લોકો મંદિરે સામેથી ચાલીને આવી અમોને આસ્વસ્થ કરતા કહેલ કે, ગામમાં ભલે જે થાય તમે અહીં મંદિરમાં તમારા ઘાર્મીક કાર્યક્રમો ચાલુ રાખજો અમો તમારી રક્ષા કરવા અહીંયા છીએ. આ મુસ્લીમ ભાઇઓની વાતની ઘરપત રાખી અમોએ ઘુન-ભજન ચાલુ રાખ્યા હતા અને નિત્યક્રમ મુજબ મોડીરાત્રીના પુર્ણ થયા બાદ બધા ભકતો ભય વગર પરત ઘરે ફર્યા હતા.
વધુમાં અશ્વીને જણાવ્યું કે, બે-પાંચ ટીખળખોરોના લીધે શહેરમાં કોમી એકતા અને ભાઇચારાના માહોલને બગાડનારાઓને હનુમાન મંદિરે ભકિ્ત કરતા હિન્દુ સમાજના લોકો અને આ વિસ્તારમાં રહેતા મુસ્લીમ લોકોએ કોમીએકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આમ શહેરના એક વિસ્તારમાં કોમી તણાવની પરિસ્થિતિના સમયે જ બીજા વિસ્તારમાં કોમીએકતાના દર્શન થયા હતા. જે શહેરમાં બંન્ને સમુદાયો વચ્ચે મજબુત ભાઇચારાની સાબિતી આપી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સંવેદનશીલ વેરાવળ શહેરમાં સંકજાના ડેલા તરીકે પ્રખ્યાત લઘુમતિ વિસ્તારમાં બે મસ્જીદોની વચ્ચે પૌરાણીક મોટા હનુમાન મંદિર આવેલુ છે. લોકવાયકા મુજબ આ મોટા હનુમાન મંદિર નવાબકાળના સમયનું છે અને મંદિરમાં રહેલું હનુમાન દાદાની મૂર્તિ પણ નવાબના સમય દરમ્યાન કોઇ ખોદકામ ચાલી રહેલ તે સમયે જમીનમાંથી મળી આવતા તે સમયના નવાબે મંદિર બનાવ્યુ હતું અને ત્યારથી જ આ પૌરાણીક મોટા હનુમાન મંદિરમાં નિયમિત ધાર્મીક કાર્યક્રમો થતા આવ્યા છે. ભુતકાળમાં વેરાવળ શહેરમાં થયેલા અનેક કોમી હુલ્લડ સમયે પણ કયારેય મંદિરમાં કોઇ અનિચ્છનીય ઘટના બની નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.