જૂનાગઢ મહાનગરપાલિકાએ 10 વર્ષ જૂના આધારકાર્ડને ફરજીયાત અપડેટ કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. ત્યારે શહેરીજનોને આધારકાર્ડ અપડેટ કરવા ઓછામાં ઓછા 1.59 કરોડ રૂપિયાનો ચાંદલો કરવો પડશે. જૂનાગઢ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, 10 વર્ષ જૂના આધારકાર્ડને ફરજીયાત અપડેટ કરવાના રહેશે. જેના માટે ડેમોગ્રાફી એટલેે કે નામ, જન્મ તારીખ, જાતિ, મોબાઇલ નંબર તેમજ ઇ-મેઇલના અપડેટ માટે 50 રૂપિયાની ફિ ચૂકવવી પડશે.
જ્યારે બાયોમેટ્રિક્સ અપડેટ જેમકે ફોટો, દસ આંગળી, બે આંખ વગેરે અપડેટના 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આમ, બે અલગ અલગ અપડેટ માટેના અલગ અલગ ચાર્જ નક્કી કરાયા છે. દરમિયાન જૂનાગઢ શહેરની વસ્તિ વર્ષ 2011ની વસ્તિ ગણતરી પ્રમાણે જોતા 3,19,462ની છે. જ્યારે કોર્પોરેશનના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ શહેરમાં આધારકાર્ડની કામગીરી 100 ટકા થઇ છે. કારણ કે, આંગણવાડીથી લઇને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ આધારકાર્ડની કામગીરી 100 ટકા થઇ છે.
ત્યારે માત્ર ડેમોગ્રાફી અપડેટ ગણીએ તો પણ 3,19,462 આધારકાર્ડને 50 રૂપિયાનો ચાર્જ તો ચૂકવવો જ પડશે. જેના કારણે શહેરીજનોને ઓછામાં ઓછા 1,59,73,100નો ચાંદલો કરવો પડશે. જ્યારે બાયોમેટ્રિક્સના ગણો તો આ રકમ વધી જવાની સંભાવના છે. બીજી વાત એ છે કે, માની લોકે 10 વર્ષ નથી થયા તો પણ મોટાભાગના આધારકાર્ડ ધારકના કાર્ડમાં જાણે-અજાણ્યે ભૂલો રહી જ જવા પામી છે. કેટલાયે આધારકાર્ડમાં તો એડ્રેસમાં માંગનાથ રોડ, માળીયા હાટીના, મધુર લખાયું છે!! તેમાં તો અપડેટ કરાવવું જ રહ્યું. બીજું કે, કોઇપણ આધારકાર્ડ ધારક 10 વર્ષ સુધી એકસરખું આધારકાર્ડ વાપરો નથી. કાંઇક તો ફેરફાર થયો જ હોય જેથી તેમણે એ પ્રમાણેનો ચાર્જ ચૂકવવો જ પડશે.
અહીં થશે કામગીરી
વર્ષ 2012માં કામગીરી શરૂ કરવામાં આવી
જૂનાગઢમાં આધારકાર્ડની કામગીરી વર્ષ 2012થી શરૂ થઇ હતી. ત્યારે જેનીલ શોપિંગ સેન્ટરમાં ખાનગી એજન્સી કામ કરતી હતી. બાદમાં 2016થી મહાનગરપાલિકામાં તેમજ કલેકટર કચેરીમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી. પૂરતા ડોક્યુમેન્ટસ હોવા છત્તાં અનેક કિસ્સામાં ઓપરેટરની ભૂલના કારણે એડ્રેસ,નામ, જન્મ તારીખમાં ભૂલ રહી જતી હોવાનું આધારકાર્ડ ઘરે આવે ત્યારે જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.