ગુજરી બજારનો વિરોધ:જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં શુક્રવારે ભરાતી ગુજરી બજારને મનપાના કોર્પોરેટરો અને સ્થાનિકોએ બંધ કરાવી

જુનાગઢ20 દિવસ પહેલા

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ભરાતી શુક્રવારી બજારનો કોર્પોરેટરો તેમજ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, દોલતપરા વિસ્તારમાં ભરાતી શુક્રવારી બજારના લીધે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ શુક્રવારી બજારના લીધે આવારા તત્વોનો પણ આતંક વધી રહ્યો છે. જેથી આ બજારને બંધ કરવામાં આવે.

ગુજરી બજારના કારણે ટ્રાફિકજામની સમસ્યા
દોલતરા વિસ્તારના સ્થાનિકો દ્વારા પોતાના વેપાર ધંધા બંધ કરી શુક્રવારી બજારનો વિરોધ કર્યો હતો. દોલતપરા ઈન્દ્રેશ્વર મેઈન વિસ્તારમાં દર શુક્રવારે ભરાતી ગુજરી સ્થાનિકો દ્વારા બંધ કરાવવામાં આવી છે આ વિસ્તારમાં ઈન્દ્રેશ્વર રોડ, માર્કેટીંગ યાર્ડ, બે બેંકો, ચાર દવાખાના તેમજ અનેક ફેકટરીઓને જોડતો મુખ્ય માર્ગ છે. આ વિસ્તાર હાઇવેને જોડતો છે.

છેડતી, લૂટ, ચીલઝડપના બનાવો પણ બની રહ્યા છે
માર્કેટીંગ યાર્ડ હોવાથી ભારે વાહનો નિકળે છે, જેથી આ બજાર ભરાતા બહુ જ ટ્રાફિકની સમસ્યા થતી હોય અને ત્યાં ગુજરી બજારમાં આવતા ફેરીયાઓ રોડ પર જ વેપાર માટે બેસી જતા હોય છે જેથી રોડ પર ટ્રાફિકની સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. શુક્રવારી ગુજરી બજારને કારણે આવારા તત્વો દ્વારા છેડતી, લૂટ, ચીલઝડપના બનાવો પણ બની રહ્યા છે. જાહેર રોડ ઉપર કોઈપણ જાતની મંજૂરી લીધા વગર ટ્રાફિકને અડચણરૂપ ફેરીયાવાળાઓ ધંધો કરતા હોય છે ત્યારે કોઈ અણબનાવ ના બને તે માટે સ્થાનિકો દ્વારા અગાઉ ઘણી વખત અરજી કરી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા શુક્રવારી બજાર બંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...