રૂપિયાની ચાદર પથરાઈ:કેશોદમાં આહીર સમાજના ડાયરામાં એક કરોડથી વધુ રૂપિયા ઊડ્યા, કલાકારે ગાવાનું બંધ કર્યું છતાં નોટોનો વરસાદ ચાલુ રહ્યો

જૂનાગઢ10 દિવસ પહેલા
  • આહીર સમાજ દ્વારા સમાજવાડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો
  • માયાભાઈ આહીર, ઉર્વશી રાદડિયા અને બિરજુ બારોટના ડાયરાનું આયોજન કરાયું હતું
  • કલાકારો તેમજ સમાજના આગેવાનો પર 500 અને 2 હજારની ચલણી નોટોનો વરસાદ

કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી બનાવવા માટે ગઈકાલે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા.

કલાકાર પર સતત બે કલાક રૂપિયા ઊડ્યા
આ દરમિયાન ડાયરામાં 500 અને 2 હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુજબ, એક કરોડથી પણ વધુ રૂપિયા ઊડ્યા હતા. લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઊડ્યા હતા. અંતે, બિરજુ બારોટ ચાલુ ઘોળ વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો, પરંતુ પૈસાનો ઘોળ કરનારા લોકો થાક્યા નહોતા.

ગાયત્રી યજ્ઞ તથા રાત્રિના લોકડાયરો યોજાયો હતો
કેશોદ આહીર યુવા મંચ દ્વારા સમાજના વિકાસ માટે કેશોદમાં બાયપાસ નજીક ચંદીગઢના પાટિયા પાસે 12 વીઘા જમીન ખરીદવામાં આવી છે. આ જગ્યાએ સામાજિક કે ધાર્મિક પ્રસંગ કરી શકાય અને ઉતારા વ્યવસ્થા ઊભી કરી શકાય એ માટે વાડીનું બાંધકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી આહીર સમાજની વાડી બનાવવા માટે ગઈકાલે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં સવારે નવનિર્મિત સમાજવાડી માટે ગાયત્રી યજ્ઞ તથા રાત્રિના લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ આહીર યુવા મંચના પ્રમુખ રાજુ ભેડાની આગેવાનીમાં સમાજના કાર્યકરો દોઢ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.

સમાજના આગેવાનો અને લોકોએ મન ભરીને ડાયરો માણ્યો
આ સમાજવાડીની જગ્યાએ ગઈકાલે રાત્રે પ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીર, ઉર્વશીબેન રાદડિયા, બિરજુ બારોટ જેવા ખ્યાતનામ કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. કલાકારોએ લોકસંગીત પીરસતા મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજના આગેવાનો અને લોકોએ મન ભરીને ડાયરો માણ્યો હતો.
ડાયરાનું સ્ટેજ ચલણી નોટો નીચે ઢંકાઈ ગયું
લોકડાયરામાં ત્રણેય પ્રખ્યાત કલાકારોએ સૂરીલુ લોકસંગીત પીરસતાં હાજર આહીર સમાજના લોકો અને અગ્રણીઓએ મન મૂકીને સમાજના અગ્રણી એવા ધારાસભ્ય જવાહર ચાવડા, ભગવાનભાઈ બારડ, રાજુભાઈ ભેડા પર ચલણી નોટોની ઘોળ બોલાવી વરસાદ વરસાવ્યો હતો. ડાયરામાં રૂ.10, 20, 50, 100, 500 અને 2 હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. એને પગલે ડાયરાનું સ્ટેજ અને આગળનું પટાંગણ સંપૂર્ણ ચલણી નોટો નીચે ઢંકાઈ ગયું હતું. અંદાજ મુજબ ડાયરામાં એક કરોડથી વધુની રકમનો ઘોળ થયો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે લોકડાયરામાં જવલ્લે જ બનતી ઘટના કેશોદ આહીર સમાજ દ્વારા આયોજિત લોકડાયરામાં જોવા મળી હતી. એમાં લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા ત્યારે આહીર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ મન મૂકીની પૈસાનો વરસાદ વરસાવાનું શરૂ કર્યો હતો. સતત 2 કલાક સુધી પૈસાનો વરસાદ ચાલુ રાખતાં આખરે લોકગાયક બિરજુ બારોટ ચાલુ ઘોળ વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો, પરંતુ પૈસાનો ઘોળ કરનારા લોકો થાક્યા નહોતા.

લોકોએ મન મૂકીને પૈસોનો વરસાદ વરસાવ્યો
આ લોકડાયરામાં આહીર સમાજમાંથી આવતા માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા અને તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સાથે ઊભા રાખી બન્ને પર સમાજના અગ્રણીઓ અને લોકોએ મન મૂકીને પૈસોનો વરસાદ વરસાવ્યો હતો.

લોકડાયરામાં સાંસદ રમેશ ધડુક, આહીર સમાજ અગ્રણી એવા ધારાસભ્ય જવાહર ચાવડા, તાલાલાના ભગવાન બારડ, હીરા જોટવા, અશોક પીઠિયા સહિતના આસપાસના જિલ્લા અને તાલુકાઓમાંથી આહીર સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...