સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી:જૂનાગઢમાં સફાઇ, સુશોભન, કલર કામ, રોશની માટે અડધો કરોડથી વધુનો ખર્ચ!!

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં સરદાર ગેઇટ સહિતની ઇમારતો શણગારવામાં આવી છે. - Divya Bhaskar
જૂનાગઢનાં સરદાર ગેઇટ સહિતની ઇમારતો શણગારવામાં આવી છે.

જૂનાગઢમાં સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય તેના માટે મનપા અડધો કરોડથી વધુનો ખર્ચ કરશે. આ ખર્ચને દલા તરવાડીની જેમ રીંગણા લઉં બે ચાર તો કે લોને દસ બારની જેમ સ્ટેન્ડીંગ કમિટીએ ફટાફટ મંજૂર કરી દીધા છે.

ત્યારે લોકોના મનમાં સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે, ખરેખર આટલો ખર્ચ થશે ખરો ? માત્ર 15 દિવસની સફાઇ માટે 7 લાખ, મિથાઇલ પેરાથીયોન અને ચૂના માટે 1,99,968, સ્વચ્છતા જાગૃત્તિના નાટક, બેનર, હોર્ડિંગ, પત્રિકા સાઉન્ડ સિસ્ટમ માટે 50,000, શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટના પોલને કલર કરવા 6,51,024, મનપાની બિલ્ડીંગો, સર્કલ, પ્રવેશદ્ધારને રોશનીથી સુશોભિત કરવા 7,41,665, સર્કલોને કલર અને રિપેરીંગ કામ કરવા 4,01,079, ડિવાઇડરોને કલર કરવા અને રિપેર કરવા 16,58,711 ઉપરાંત વોર્ડ નંબર 1થી 15માં સિવીલ વર્ક માટે 15,21,108નો ખર્ચ સ્ટેન્ડીંગે મંજૂર કરેલ છે. આમ, પ્રજાના ટેક્ષના કુલ 59,23,735 રૂપિયાનો ખર્ચ થવાનો છે. શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણા બદલતા નથી અને માત્ર વાહવાહી અને દેખાડો કરવા અડધો કરોડથી વધુ રૂપિયાનું આંધણ કરવામાં આવશે.

આજે સાંજે 103 મિનિટ, આવતી કાલે સવારે 87 મિનીટનો કાર્યક્રમ
વર્ષ 2012માં રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઇ હતી. બાદ ચાલુ વર્ષે 15મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢમાં થવા જઇ રહી છે. જૂનાગઢમાં યોજનાર રાજ્યકક્ષાની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં છે. જૂનાગઢને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઠેર-ઠેર ધ્વજા,પતાકા,બેનર લગાડવામાં આવ્યાં છે.15મી ઓગસ્ટની ઉજવણીને લઇ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 14 ઓગસ્ટનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢ આવી પહોંચશે. 14 ઓગસ્ટનાં કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં યોજાનાર સાસ્કૃતિક કાર્યક્રમમાં સાંજે 6:30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 103 મિનિટનો છે,જેમાં આગમન થી લઇ સ્વાગત, રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું ઉદ્દબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બાદ તા. 15 ઓગસ્ટનાં બીલખા રોડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. અહીં મુખ્યમંત્રી દ્વારા 9 વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. અહીં કુલ 87 મિનિટનો કાર્યક્રમ થશે,જેમાં સાંસ્કૃતિ કાર્યક્રમ, રશિયન પીટી, જીમ્નાસ્ટિક, ડોગ શો, બોડી વોર્ન કેમેરા ડેમોસ્ટ્રેશન, ડ્રોન ડેમોસ્ટ્રેશન સહિતનાં કાર્યક્રમ યોજાશે અને મુખ્યમંત્રી વૃક્ષારોપણ પણ કરશે.

બિલખા સ્વામીનારાયણ ગેઇટથી આગાખાનનો રસ્તો બંધ કરાશે
જિલ્લા અધિક કલેકટર એલ.બી. બાંભણીયાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ 15 ઓગસ્ટ સવારના 6 થી સાંજના 4 સુધી બીલખા રોડ સ્વામીનારાયણ ગેઇટથી આગાખાન હોસ્ટેલ,સરદાર પટેલ ચોક સુધી બિલખા તરફથી જૂનાગઢ આવતા અને જૂનાગઢથી બિલખા તરફ જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી છે. બિલખા, વિસાવદર તરફથી આવતા તમામ ભારે વાહનોને ખડીયાથી મેંદરડા બાયપાસ, ઇવનગર રોડ, ગાંધીગ્રામ, ભૂતનાથ ફાટકથી જૂનાગઢમાં પ્રવેશ મળશે તેમજ જૂનાગઢથી બિલખા, વિસાવદર આ રૂટ પરથી જઇ શકશે. જ્યારે બિલખા, વિસાવદર તરફથી જૂનાગઢ આવતા તમામ પ્રકારના ટુવ્હિલ તેમજ ફોરવ્હિલ વાહનો બિલખા રોડ, સ્વામીનારાયણ ગેઇટથી રાજીવનગર, લીરબાઇપરા ફાટક, સિંધી સોસાયટી, ગાંધીગ્રામ, ભૂતનાથ ફાટકથી જૂનાગઢ શહેરમાં પ્રવેશ મેળવશે અને જૂનાગઢથી બિલખા વિસાવદર તરફ પણ આ રૂટ પરથી જવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ભવનાથ પીએસઆઇ એમ.પી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, શનિ અને રવિ એમ બે દિવસ ભવનાથમાં તમામ દુકાનો બંધ રહેશે.

સીએમ ન આવે તો જૂનાગઢમાં સર્કલ પણ રિપેર થતા નથી
જૂનાગઢમાં આઝાદીકા અમૃત્ત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટ સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. આ ઉજવણી શરૂ થાય તે પહેલા જ શહેરની સૂરત બદલાઇ રહી છે. રાતોરાત શહેરના અનેક સરકારી બિલ્ડીંગોને રોશનીથી ઝગમગતા કરી દેવાયા છે,સર્કલોમાં લાઇટીંગ કરી દેવાઇ છે, ડિવાઇડરોને કલર થવા લાગ્યા છે તેમજ રસ્તા રિપેર થવા લાગ્યા છે, રસ્તા પર સફાઇ થવા લાગી છે,દબાણો હટાવાઇ રહ્યા છે. ટૂંકમાં અત્યાર સુધી નિસ્તેજ કે મુર્છિત અવસ્થામાં રહેલું તંત્ર સફાળા જાગી ગયું છે અને કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પરિણામે લોકોને લાગી રહ્યું છે કે, આપણે ટેક્ષ ભરીએ અને અનેક રજૂઆતો કરીએ તો પણ પ્રાથમિક સુવિધા માટે અનેક વખત રજૂઆતો કરવી પડે છેે અને છત્તાં કામ થતા નથી. જ્યારે સીએમ આવે તો ફાટફટ કામ થાય છે. ત્યારે સીએમના આવા કાર્યક્રમ દર મહિને થવા જોઇએ જેથી કસમેકમ સારા રસ્તા, સફાઇ, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા તો મળતી રહે. દરમિયાન ગાંધીચોક કે જ્યાં ભારે ટ્રાફિક રહે છે ત્યાં આવેલ સર્કલ લાંબા સમયથી તૂટલું હતું. સીએમ આવવાના હોય આ સર્કલની પણ રાતોરાત કાયાપલટ થઇ ગઇ છે, મતલબ નવું બની ગયું છે!

અન્ય સમાચારો પણ છે...