હેલ્થ:80 %થી વધુ છાત્રાઓમાં હેમોગ્લોબિન ઓછું નોંધાયું

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં 4200 થી વધુ હાઇસ્કુલ અને કોલેજની વિદ્યાર્થીઓનું હેમોગ્લોબિન ચેક કરાયું, 3360માં ઉણપ જણાઇ

માનવ શરીરમાં લોહીના ટકા એટલેકે, હેમોગ્લોબિન ઓછું હોય ત્યારે લાંબા ગાળે અનેક પ્રકારના રોગની શક્યતા રહે છે. યુવતીઓમાં તેનું પ્રમાણ ઓછું હોય તો બ્રેસ્ટ અથવા ગર્ભાશયના કેન્સર થવાની શક્યતા પણ રહે છે. આથી રાજકોટની બોલબાલા ટ્રસ્ટના ઉપક્રમે જૂનાગઢમાં 3 સ્થળે હેમોગ્લોબિનના ચેકઅપ માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં 80 ટકાથી વધુ યુવતીઓમાં હેમોગ્લોબિનનું પ્રમાણ સામાન્યથી ઓછું જોવા મળ્યું હતું.

રાજકોટની કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, બી. ટી. સવાણી કીડની હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિર સંકુલ, કનેરિયા ગર્લ્સ હોસ્ટેલ અને ડો. સુભાષ સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં 4200 થી વધુ બહેનોમાં હેમોગ્લોબિનનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે પૈકી 3360 થી વધુ યુવતીઓમાં તેનું પ્રમાણ ઓછું જણાયું હતું.

હેમોગ્લોબિન શેનાથી જળવાય
રોજીંદા ખોરાકમાં લીલા શાકભાજી ખાસ કરીને ગાજર, ફળફળાદિ, સૂકોમેવો, ગ્રીન સલાડ લેવાથી હેમોગ્લોબિનનું પ્રમાણ જળવાઇ રહે છે.

12.7 હેમોગ્લોબિન ડબલ્યુએચઓનો માપદંડ છે
માનવીના લોહીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેમોગ્લોબિનનું પ્રમાણ 12.7 ને માપદંડ ગણ્યો છે. એનાથી ઓછા હોય તો તેને એનેમિક કહેવાય. જો 14 થી 15 વચ્ચે હોય તો તે શ્રેષ્ઠ ગણાય. પણ ઓછું હોવાને લીધે ભવિષ્યમાં હાર્ટ, ફેફસાં, મગજ સહિતના તમામ રોગને આમંત્રણ મળે. અમે જેમને હેમોગ્લોબિન ઓછું આવ્યું તેઓને 2 ગોળી આપી છે. જેમાં આલ્બેટાઝોન કે જે કૃમિનાશક છે. અને હેમોગ્લોબિન માટેની આયર્ન, વીટામીન બી સહિતની ઉણપ દૂર કરતી ટેબ્લેટ આપી છે. > શાંતિભાઇ ફળદુ, કેમ્પ આયોજક

હેમોગ્લોબિન 15 હોય એટલે ભણવામાં મદદકર્તા
​​​​​​​જે દિકરીઓમાં હેમોગ્લોબિન 15 હોય તેઓ સામાન્ય રીતે ભણવામાં ટેલેન્ટેડ હોય છે. આટલું હેમગ્લોબિન શરીરમાં એટલી ઉર્જા આપે છે. > જયેશભાઇ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...