નિર્ણય:જિલ્લાના 7000થી વધુ રિક્ષા ચાલકો કરશે મતદાન બહિષ્કાર

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિક્રમા, શિવરાત્રી મેળા વખતે જ અનેક સમસ્યા, કોઇ​​​​​​​ રાજકારણી ​​​​​​​મદદે આવ્યા નથી

જૂનાગઢ જિલ્લાના 7,000થી વધુ રિક્ષા ચાલકો મતદાનનો બહિષ્કાર કરશે. ખાસ કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા કોઇ રાજકીય પક્ષ મદદે આવ્યો નથી માટે મતદાનથી અળગા રહેશેે. આ અંગે એકતા રિક્ષાચાલક એસોસિએશનના પ્રમુખ રવજીભાઇ વાળાએ જણાવ્યું હતું કે,જૂનાગઢ શહેરમાં 3,500થી વધુ અને જિલ્લાના મળી કુલ 7 થી 8,000 જેટલા રિક્ષા ચાલકો છે. ત્યારે તેમના પરિવારના સભ્યો કે જે મતદાન કરી શકે તેની સંખ્યા 20,000 આસપાસ છે. ત્યારે રિક્ષા ચાલકોની સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા તમામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે.

ખાસ કરીને શિવરાત્રિનો મેળો અને લીલી પરિક્રમા એ બે તહેવારમાં જ મુખ્ય ધંધો હોય છે. ત્યારે પોલીસ દ્વારા ભારે હેરાન કરવામાં આવે છે.રિક્ષાને અંદર સુધી જતી બંધ કરી દેવામાં આવે છે, જ્યારે ખાનગી વાહનોને છૂટ હોય છે! આ અંગે રજૂઆત કરો તો પોલીસ દ્વારા તાનાશાહી કરી માર મારવામાં આવે છેે, રિક્ષાને નુકસાન પણ પહોંચાડવામાં આવે છે.આ અંગે તમામ રાજકીય નેતાઓને જાણ કરવા છત્તાં રિક્ષા ચાલકોની મદદે કોઇ આવ્યું ન હોય ચૂંટણીનો બહિષ્કાર કરાશે.

રોજગારી છિનવાઇ, લોકોને ચાલીને જવું પડે છે
પોલીસની તાનાશાહીના કારણે રિક્ષા ચાલકોની રોજગારી છિનવાઇ છે. લોકોને મેળા, લીલી પરિક્રમામાં જવા માટે દૂર સુધી ચાલવું પડે છે. તંત્રના આયોજનના અભાવે આવું થાય છે. મેળા, પરિક્રમાના આયોજનની મિટીંગમાં રિક્ષા એસોસિએશનના અધિકારીને બોલાવાતા નથી. બહારની પોલીસ આવે છે તે બેફાર માર મારે છે. ત્યારે લોકશાહીનું પર્વ હોવા છત્તાં અમારે ના છૂટકે મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...