• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • More Than 5,000 Birds Regularly Come To Feed At Harsukh Dobriya's House In Keshod, Costing Between One And A Half To Two Lakhs A Year.

પક્ષીપ્રેમી હોય તો આવા...:5 હજાર પક્ષીનો જમણવાર કેશોદના હરસુખ ડોબરિયાના ઘરે થાય છે, 500 રૂપિયે શરૂ કરેલી સેવા પાછળ હવે વર્ષે દોઢથી બે લાખનો ખર્ચ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • પક્ષીઓને ચણ નાખવા હરસુખભાઈએ ઘરની છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે
  • દરરોજ સવાર-સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદના હરસુખભાઇ ડોબરિયા હજારો પક્ષીઓના મિત્ર છે. તેમની પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે, તેમને એકબીજા વગર ચાલતું જ નથી. તેઓ પોતાના ઘરે હજારો પક્ષીઓને છેલ્લા 22 વર્ષથી ખવડાવી રહ્યા છે. તેઓ એક વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની ચણની ખરીદી કરે છે.

દરરોજ પાંચ હજારથી વધુ પક્ષીઓ આવે છે
હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 22 વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે. પક્ષીઓ પણ નિયમીત રીતે હરસુખભાઇના ઘરે દરરોજ પહોંચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરે છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે. જ્યાં એક બે નહીં પણ પાંચ હજાર જેટલા પક્ષીઓ આવે છે. પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

પક્ષીઓ સાથે લાગણીના સંબંધ
હરસુખભાઇ ડોબરીયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે. પરિવારનો પક્ષીપ્રેમ અને લાગણી એટલી છે કે. સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના દરેક સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીઓના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે. પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાના ચણની ખરીદી શરુ કરેલા આ અભિયાનમાં હવે દર વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની ચણની ખરીદી કરે છે અને એ પણ કોઇ પ્રકારના ફંડ ફાળા વગર. હરસુખભાઇ કહે છે કે, અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખુબજ સારું છે અને ધંધામાં ખુબજ બરકત થઇ રહી છે.

ચણનું ખાસ પ્રકારે ધ્યાન રાખે છે
ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે. ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા ખવરાવે છે તે પણ ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ધાન્યની જ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની પણ ખાસ કાળજી રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...