તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:21 દિવસમાં સિવીલમાં મોતના 500થી વધુ ફોર્મ પેન્ડીંગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા ખાતે મેન્યુઅલી જન્મ મરણના સર્ટિ બંધ કરી ઓનલાઇન કરાયા છે જેમાં જે તે હોસ્પિટલે થયેલા મરણના ફોર્મ મોકલવાના હોય છે
  • જોકે, સરકારી ચોપડે તો 20 મેથી 10 મે સુધીના 21 દિવસમાં માત્ર 136 મોત જ નોંધાયા છે
  • સ્મશાનમાં રજીસ્ટ્રેશન થાય છે પણ આંકડા છૂપાવાય છે

કહેવાય છે કે છાબડે ઢાંક્યો સૂરજ છૂપાઇ ન રહે તેમ સરકારી તંત્ર કોરોનામાં થયેલા મોતના આંકડા છૂપાવવાની ગમે તેટલી કોશિષ કરે ક્યાંક ને ક્યાંક અંદરખાનાની વિગતો પણ અનાયાસે બહાર આવી જાય છે. આવું જ કોરોનામાં થતા મોતના આંકડામાં થયું છે. હાલ કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાએ મેન્યુઅલી જન્મ અને મરણના સર્ટિ ઇશ્યુ કરવાનું બંધ કરી દીધું છે. આ માટે ઓનલાઇન અરજી કરી ઘરબેઠા જન્મ અને મરણના સર્ટિની પ્રિન્ટ તમે ડાઉન લોડ કરી શકો છો. આ માટે દરેક હોસ્પિટલને મહાનગરપાલિકાએ યુઝર આઇડી પાસવર્ડ બનાવી આપ્યો છે.

આ ઓનલાઇન સોફ્ટવેર છે જેનું ગાંધીનગરમાંથી ઓલ ગુજરાત માટે સંચાલન થાય છે. જે હોસ્પિટલમાં દર્દીનું મોત કે જન્મ થયો હોય તે હોસ્પિટલ પોતાના યુઝર પાસવર્ડ સાથે મનપાને ફોર્મ મોકલે છે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન થાય અને પછી તેનું વેરીફાઇ કરાય છે. ત્યાર બાદ અરજદારને મેસેજ લીન્ક અને પાસવર્ડ મોકલાય છે. ત્યાર બાદ અરજદાર લીંક ખોલી તેમાં પાસવર્ડ નાંખતા પ્રમાણપત્ર દેખાય છે જેને ડાઉન લોડ કરી પ્રિન્ટ કાઢી લેવાની હોય છે. દરમિયાન જૂનાગઢની દરેક ખાનગી હોસ્પિટલ તો મરણની વિગતો સાથેના ફોર્મ મનપાને સમયસર મોકલી આપે છે.

જ્યારે સિવીલ હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ 20 એપ્રિલથી લઇને 10 મે સુધીમાં આવા 500થી વધુ ફોર્મ મોકલાયા નથી. આવા ફોર્મ પેન્ડીંગ હોવાના કારણે અનેક લોકો ઓનલાઇન મરણના સર્ટિ મેળવી શકતા નથી. દરમિયાન 20 એપ્રિલથી 10 મે સુધીના માત્ર 21 દિવસમાં સિવીલ હોસ્પિટલના જ મરણના 500થી વધુ ફોર્મ પેન્ડીંગ છે ત્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાંથી આ દિવસોમાં થયેલા મોતની ગણતરી કરો તો આંકડો ક્યાં સુધી પહોંચે તેની તો કલ્પના જ કરવી રહી.

સિવીલમાં માત્ર 21 દિવસમાં મરણના 500થી વધુ ફોર્મ પેન્ડીંગ હોવા છત્તાં સરકારી તંત્ર દ્વારા જે કોરોના કેસ અને મોતના આંકડા બતાવાય છે તેમાં આ 20 દિવસમાં માત્ર 136 મોત જ દર્શાવાયા છે. ખાસ કરીને થયેલા મૃત્યુનું સ્મશાને રજીસ્ટ્રેશન થાય છે પરંતુ કેટલા મોત થયા તેની જાણ થવા દેવાતી નથી.

આ રીતે પ્રોસેસ કરવાની હોય છે
સરકારી તેમજ ખાનગી હોસ્પિટલે દર્દીનું મોત થયા બાદ ફોર્મ નંબર 2 ભરીને મહાનગરપાલિકાને મોકલવાનું હોય છે. આ માટે મોડામાં મોડું 21 દિવસનો સમય હોય છે. ખાનગી હોસ્પિટલો તો 4 થી 5 દિવસમાં થયેલા મોતનું ફોર્મ ભરી મોકલી દે છે. જ્યારે સિવીલમાં ફોર્મ ભરવા માટે માત્ર 1 જ વ્યક્તિ હોય મરણના કિસ્સામાં ફોર્મ ભરી મોકલવામાં વિલંબ થાય છે. પરિણામે હજુ 500થી વધુ ફોર્મ પેન્ડીંગ છે. આ ફોર્મ આવ્યા બાદ મનપા મરણના સર્ટિ ઓનલાઇન ઇશ્યુ કરાવી શકે.

દરરોજ 70 થી વધુ ફોર્મ નિકળે છે.
હાલ ઓનલાઇન મરણ સર્ટિ મળતા હોય લોકો ઘરબેઠા મરણના સર્ટિ મેળવી શકે છે. હાલ દરરોજ આવા 70 થી વધુ ફોર્મ ઓનલાઇન નિકળે છે.

અનેક લોકોને થતી હેરાનગતિ
સિવીલ હોસ્પિટલ દ્વારા સમયસર ફોર્મ ભરીને મનપામાં મોકલાતા ન હોય ઓનલાઇન ફોર્મ ઇશ્યુ થતા નથી. પરિણામે અનેક પરિવારોને હેરાનગતિ થાય છે. અનેક પરિવારોને સરકારી કામગીરીમાં મરણના સર્ટિના અભાવે વિલંબ થાય છે.

અન્ય સમાચારો પણ છે...