કોરોનાની ઇફેક્ટ:30,000થી વધુ ખેલૈયા ગરબે નહીં ઘૂમી શકે

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીને લઇ સરકારે માત્ર શેરી ગરબાને મંજૂરી આપી, મોટા ગરબાના આયોજનો પર બ્રેક લગાવી
  • વિવિધ જ્ઞાતિ, સમાજો દ્વારા થતા ગરબાના મોટા આયોજનમાં વધુ યુવા, યુવતિ, બાળકો ગરબે ઘૂમતા અને એટલા જ પ્રેક્ષકો રહેતા

જેની જોતા તા વાટ તે દિવસો આખરે આવી પહોંચ્યાછે. ગુજરાતીની ઓળખાણ સમી નવલી નવરાત્રીના પર્વનો આસો સુદ એકમ ગુરૂવારથી પ્રારંભ થનાર છે. જોકે, કોરોના મહામારીના કારણે સરકારે માત્ર શેરી ગરબીને જ મંજૂરી આપી છે. જ્યારે પાર્ટી પ્લોટોમાં થતા ગરબાના મોટા આયોજનને મંજૂરી આપી નથી. શેરી ગરબાને મંજૂરીથી પ્રાચિન ગરબીઓમાં રાસની રમઝટ બોલશે. જ્યારે મોટા આયોજન પર બ્રેકથી ખાસ કરીને યુવા, યુવતિઓમાં ભારે નિરાશા વ્યાપી છે. ગત વર્ષે તો ગરબાને મંજૂરી જ મળી ન હતી.

આ વર્ષે કોરોનાની અસર થોડી હળવી થતા માત્ર પ્રાચિન શેરી ગરબીઓને જ મંજૂરી અપાઇ છે, પરંતુ મોટા આયોજન પર પ્રતિબંધ યથાવત રહ્યો છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં અનેક જ્ઞાતિ, સમાજો દ્વારા તેમજ પાર્ટી પ્લોટમાં ગરબાના મોટા આયોજનો થતા હતા.

આ ગરબામાં અંદાજે 30,000થી વધુ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવતા હતા.હવે તેના પર પ્રતિબંધ હોય આવા ખેલૈયાઓ ગરબે ઘૂમી નહી શકે. જોકે, ગરબીના મોટા આયોજનો કરતા તમામ આયોજકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કારણ કે, તેઓ જાણે છે કે, કોરોના મહામારીનો દોર હળવો થયો છે પણ આ મહામારી સાવ નાબૂદ નથી થઇ. માટે તેઓ સરકારના આ નિર્ણય સાથે સહમત થયા છે.

મોટા ભાગના આયોજકોએ કહ્યું : જોખમ ન લેવાય
સરકારે પાર્ટી પ્લોટમાં થતા ગરબાના મોટા આયોજન પર બ્રેક લગાવી છે તેને મોટાભાગના આયોજકોએ આવકાર્યો છે. તમામે એક સૂરે કહ્યું હતું કે, જોખમ ન લેવાય. જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાની બિમારી સાવ દૂર ન થાય ત્યાં સુધી મોટા ગરબાના આયોજનો કરવા યોગ્ય નથી. ચેતનભાઇ ફળદુએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના અનેક ગામોમાં ફરી લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. ત્યારે એ બતાવે છે કે કોરોના હજુ ગયો નથી માટે કોઇ જોખમ ન લેવાય. કોરોના વિફોટ ગમે ત્યારે થઇ શકે છે.

શૈલેષભાઇ દવેએ જણાવ્યું હતું કે, બે વર્ષ ગરબાના આયોજનો ન કરીએ તો કાંઇ બગડી જવાનું નથી. પરંતુ કોરોનાનો ફરી પગપેસારો થાય તે હરગિઝ પરવડે તેમ નથી. સુનિલભાઇ નાવાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ ઉગર્યા છે. ત્યારે ફરી એ ભયાનક દિવસો આવે તેવું શા માટે કરવું જોઇએ? હરસુખભાઇ વઘસીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બિમારીને નજર અંદાજ કરવું ભારે પડી શકે છે માટે ગરબા ન કરવા જ યોગ્ય છે.

અમિતભાઇ ચરાડવાએ જણાવ્યું હતું કે, એકસાથે હજ્જારો લોકો રમે, પરસેવે રેબઝેબ થાય ત્યારે એકબીજાને ટચ થાય, શ્વાસોશ્વાસ ભેગા થાય તો પણ કોરોના મહામારી ફેલાઇ શકે છે. સતિષભાઇ કેપ્ટને જણાવ્યું હતું કે, કોરોનાને નજર અંદાજ કરીને ગરબાનું આયોજન કરવાનું વિચારી પણ ન શકાય. ત્યારે સૌપ્રથમ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઇએ.

કઇ ગરબીમાં અંદાજે કેટલા ખેલૈયા રમતા ?
બ્રહ્મ સમાજની ગરબીમાં 7,500, સતિષ કેપ્ટનની વાડીમાં થતી ગરબીમાં 10,000, સિંધી સમાજની ગરબીમાં 6,000, ખોડલધામની ગરબીમાં 1,000, લોહાણા સમાજની ગરબીમાં 1,000, સોની સમાજની ગરબીમાં 600, ફળદુ વાડીની ગરબીમાં 2000 અને મેર તેમજ અન્ય સમાજની વાડીમાં મળી 2,000. આમ, કુલ 30,0000થી વધુ લોક પાર્ટી પ્લોટમાં થતી ગરબીમાં ગરબે ઘૂમતા હતા

અન્ય સમાચારો પણ છે...