તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનોમાં રોષ:વેરાવળ પાલિકાના શાસકોનો અણઘડ વહીવટ, 2 લાખથી વધુ લોકો પીવાનું પાણી માટે વલખા મારવા મજબુર

વેરાવળએક મહિનો પહેલા
જોડીયા શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરવા બેડાની લાઇનો જોવા મળે છે...
  • વેરાવળને પુરુ પાડતા ડેમમાંથી સિંચાઇ વિભાગએ પાલિકાની જાણ બહાર પાણીનો જથ્‍થો છોડી દેતા સમસ્‍યા સર્જાય : પાલિકા
  • પાણી છોડવા અંગે તા.12 એપ્રીલના રોજ પત્ર લખી આગોતરી જાણ કરેલ : સિંચાઇ ડેમ અઘિકારી
  • પાલિકાના શાસકોએ સમસ્‍યા અંગે સિંચાઇ વિભાગ જવાબદાર હોવાનો દાવો કરતા ડેમ અઘિકારીએ પાલિકાના દાવાની પોલ ખોલી નાંખતી હકકીત જણાવતા પાલિકાના શાસકો સામે શહેરીજનોમાં રોષ

વેરાવળ સોમનાથ જોડીયા શહેરના લોકોની કમનસીબી કહો કે જે કહો પાલિકા તંત્રની અણઘડ બેદરકારીભર્યા વહીવટના કારણે 2 લાખની પ્રજા છેલ્‍લા દસ દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. તો આ પરિસ્‍થ‍િતિ માટે સિંચાઇ વિભાગ જવાબદાર હોવાનું પાલિકાના શાસકો જણાવી રહ્યા છે. જે અંગે સિંચાઇ વિભાગના અઘિકારીએ જણાવ્યું કે, અમોએ એપ્રીલ માસમાં જ પાલિકાને પાણી માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા લેખીત પત્ર લખી જાણ કરી હતી. પાણી બાબતે પોતાની બેદરકારી છુપાવવા પાલિકાના શાસકો ગેરમાર્ગે દોરતા નિવેદનો શું કામ કરી રહયા છે તેવો સવાલ લોકોમાંથી ઉઠ્યો છે.

વેરાવળ-પાટણ પાલિકા તંત્રની અણઘડ કામગીરી હમેંશા માટે લોકો માટે મુશ્‍કેલી સર્જે છે. હાલ ભર ઉનાળે વઘુ એક વખત પાલિકાના શાસકોની વહીવટી બેદરકારીના કારણે શહેરીજનો દસ દિવસથી પીવાના પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ સપ્‍તાહ પૂર્વે શહેરીજનો માટે રૂ.5.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફીલ્‍ટર પ્‍લાન્‍ટનું મુખ્‍યમંત્રી રૂપાણીએ લોકાપર્ણ કર્યું ત્‍યારે કહ્યું કે, 2 લાખ શહેરીજનોની શુદ્ધ પીવાનું પાણી મળશે તેવો દાવા કર્યો હતો. પરંતુ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમના બે દિવસ પૂર્વેથી જ જોડીયા શહેરમાં પીવાના પાણીની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી હતી.

વેરાવળ-સોમનાથને પીવાનું પાણી પુરૂ પાડતો હિરણ-2 ડેમ
વેરાવળ-સોમનાથને પીવાનું પાણી પુરૂ પાડતો હિરણ-2 ડેમ

શરૂઆતના બે-ચાર દિવસ લોકોએ આમ તેમ ચલાવેલ પરંતુ ત્‍યારબાદ પાણી ન આવતા જુદા-જુદા વિસ્‍તારોમાંથી પાણી ન મળતું હોવાની બુમરાટ સાથે ફરીયાદો મોટાપાયે ઉઠી હતી. આજે પણ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જયારે પાલિકા તંત્રને પાણી માટે રજુઆત કરે તો જવાબદાર સત્તાધીશો સિંચાઈ વિભાગ જવાબદાર હોવાનો ખો આપી દેતા હોવાનો સ્થાનીકો આક્ષેપ લગાવી જણાવે છે કે, જોડીયા શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા હિરણ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા અને મળતો હોવા છતા જવાબદાર પાલિકા તંત્રની બેદરકારીના કારણે પ્રજા સુધી પહોંચતુ નથી. જેના માટે શાસકોની વાત જાજી અને કામ ઓછાની નિતી જવાબદાર છે.

શહેરીજનો પીવાના પાણી માટે વલખા મારવાની ઉદભવેલ સ્‍થ‍િતિ માટે પાલિકા તંત્ર સિંચાઈ વિભાગ પર ખો નાંખી તેમની (પાલિકા)ની જાણ બહાર હિરણ ડેમમાંથી પાણીનો જથ્‍થો છોડી ખાલી કરી દેવાયાનું પાલિકા તંત્ર હવાલો આપી રહયા છે. ત્‍યારે આ અંગે ઇન્‍ચાર્જ ચીફ ઓફીસર ડી.ડી.દવેએ જણાવેલ કે, આગોતરા આયોજના ભાગરૂપે 14 મોટરો મુકી ડેમની અંદર અડઘો કીમી દુર લાઇન નાંખી પાલિકાના શીપેજ સુઘી પહોચાડવાની કામગીરી કરેલ તેમ છતાં પુરતો જથ્‍થો મળતો ન હતો. જેથી નર્મદાનું પાણી મેળવવા કાર્યવાહી હાથ ઘરતા તે લાઇનમાં ત્રણ જગ્‍યાએ લીકેજ સામે આવેલ જે સાંઘી દેવામાં આવેલ છે. હાલ શહેરની એકમાત્ર રાજેન્‍દ્ર ભુવનના પાણીની ટાંકી હેઠળના વિસ્‍તારોમાં સમસ્‍યા સર્જાતા પાણીના ટેન્‍કરો દોડાવવામાં આવેલ છે. ત્રણેક દિવસમાં સમસ્‍યા હલ થઇ જશે તેવી આશા છે.

સિંચાઇ વિભાગએ વેરાવળ પાલીકાને લખેલ પત્ર
સિંચાઇ વિભાગએ વેરાવળ પાલીકાને લખેલ પત્ર

તો બીજી તરફ સિંચાઈ વિભાગના ડેમ અધિકારી એન.બી.સિંઘલએ જણાવેલ કે, ડેમના દરવાજાઓની મરામત કામગીરી કરવાની હોવાથી 12 એપ્રીલ 2021 ના રોજ જ લેખીત પત્ર લખી વેરાવળ પાલિકા સહિત તમામ એકમોને જાણ કરી પોતાની પાણીની જરૂરીયાત મુજબ આયોજન હાથ ઘરી વૈકલ્પીક વ્યવસ્થા કરવા જાણ કરી દેવામાં આવેલ હતી. હાલ લોકોની જરૂીયાત મુજબ હજુ દોઢ થી બે માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ડેમમાં રીઝર્વ રાખવામાં આવેલ છે. ડેમ સાઇટની બેકેટમાં શીપેજ અને આગળના ભાગમાં દોઢથી બે માસ ચાલે તેટલા પાણીનો જથ્‍થો ઉપલબ્‍ઘ છે. આ બંન્‍ને સ્‍થળોએથી પાણી ઉપાડવા પમ્‍પીંગ કરવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે તો કોઇ પ્રકારની મુશ્‍કેલી થશે નહી.

અત્રે નોંધનીય છે કે, આગ લાગે લાગે ત્યારે કૂવો ખોદવા નિકળવું જેવી પાલિકાના શાસકોના અણઘડ વહીવટના કારણે દસ દિવસથી શહેરીજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જયારે સિંચાઇ વિભાગના અઘિકારીના નિવેદન બાદ પાલિકાના શાસકોના ગેરમાર્ગે દોરતા બહાનાઓ(નિવેદનો)ની પોલ ખુલી પડતા શહેરીજનોમાં તેઓ સામે પ્રચંડ રોષ જોવા મળે છે. પાલિકાના શાસકોએ વાતો કરવાના બદલે જો સમયસર આયોજન સાથે કામ કર્યુ હોત તો આજે લોકોને પાણી માટે વલખા મારવા મજબુર ન થવુ પડત તેવું જાણકારો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...