• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • More Than 150 College Students From A Hostel On Khamdhrol Road In Junagadh Do Not Throw Garbage On The Road Because Tea Vendors Divert The Road Every Day.

સ્વચ્છતા ઝૂંબેશ:જૂનાગઢમાં ખામધ્રોળ રોડની હોસ્ટેલના 150 થી વધુ કોલેજીયનો રોડ પર કચરો નથી ફેંકતા કારણકે, ચા-વાળા વેપારી રોજ રોડ વાળે છે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીવાઇડરના ખાંચા સુદ્ધાં સાફ રાખે છે આ સ્વચ્છતાના ભેખધારી ક્લિન સોલ્જર

જીહા, જૂનાગઢના ખામધ્રોળ રોડ પર રેલ્વે ફાટકથી લઇને છેક 150 મીટર સુધીના રસ્તા પર તમને કાગળ, પ્લાસ્ટિક તો ઠીક ધૂળ-કાંકરી સુદ્ધાં જોવા ન મળે. અહીં ડો. સુભાષ એન્જીનિયરીંગ કોલેજની હોસ્ટેલો આવેલી છે. સેંકડો વિદ્યાર્થીઓ રહે છે. પણ અહીંના રહીશો, દુકાનદારો તો ઠીક હોસ્ટેલના કોલેજીયનો સુદ્ધાં રોડ પર કચરો નથી ફેંકતા. આની પાછળનું કારણ, અહીંના ચાવાળા ક્લિન સોલ્જર કલ્પેશભાઇ કાનજીભાઇ પોરડિયાની સ્વચ્છતા ઝૂંબેશ છે.

50 વર્ષીય કલ્પેશભાઇની ખામધ્રોળ રોડ પર ખોડીયાર મંદિર પાસે ચાની દુકાન છે. બાજુમાં પાનનો ગલ્લો છે. પણ તમને જમીન પર પાન-માવાના થુંકેલા નિશાન ન જોવા મળે. અહીં થુંકવા માટે ડબલું મૂક્યું છે. માવા-પાન મસાલાની કોથળી બધા ડસ્ટબીનમાંજ નાંખે. કલ્પેશભાઇ કહે છે, 1999 માં મારી માતાનું મૃત્યુ થયું. બહેનના લગ્ન થઇ ગયા હતા.

દાદી વયોવૃદ્ધ હતા. એટલે ઘરને સ્વચ્છ રાખવાની જવાબદારી મારી માથે આવી. મારી સ્વચ્છતાનો આગ્રહ રાખતી ઝૂંબેશનાં બીજ ત્યારથી વવાઇ ગયાં. એ વખતે અહીંથી થોડે આગળ મારી ચાની નાનકડી કેબીન હતી. ત્યાં પણ હું આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખતો. મને એવી આદત પડી ગઇ. એ વખતે સરકાર લેવલે સ્વચ્છતા ઝૂંબેશ નહોતી. પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્ર બધે જોવા મળતું.

હું કાંઇ બહુ ભણ્યો તો નથી. એટલે બહુ મોટું કામ તો ન કરી શકું. આથી મેં વિચાર્યું જીવનમાં મોટું કામ ન કરી શકીએ પણ સ્વચ્છતા તો જાળવીએ. જે રીતે આપણે ઘરમાં માતાની સેવા કરીએ છીએ. તો આ તો આપણી ધરતી માતા છે. સ્વચ્છતા રાખીને પણ આપણે તેની સેવા કરી શકીએ. આ રીતે જીવનમાં કાંઇ ન કર્યાનો અફસોસ નથી રહેતો. કેબીન પછી અહીં દુકાન કરી. ત્યારથી હું મારી આસપાસનો આશરે 150 મીટરનો રોડ તો વાળીને ચોખ્ખો રાખું છું.

અહીં તમને ધૂળ પણ નહીં જોવા મળે. ડીવાઇડરના કોંક્રીટ બોક્ષ જોઇ લો તેની વચ્ચેની જગ્યા પણ તમને સાફ દેખાશે. શરૂઆતમાં જો કોઇ કચરો નાંખે તો હું જાતે ઉપાડીને ડસ્ટબીનમાં નાંખી દેતો. આથી હવે કચરો નાંખતી વખતે આસપાસના લોકો શરમાય છે. તેઓ ડસ્ટબીનમાંજ કચરો નાંખવા લાગ્યા છે. કદાચ કોઇ અજાણી વ્યક્તિ પ્લાસ્ટિકની કોથળી, કાગળ કે બીજું રોડ પર નાંખે તો પણ હું દુકાનના થડેથી ઉતરી એ કચરો ઉપાડીને ડસ્ટબીનમાં નાંખી દઉં.

અહીં હોસ્ટેલના વિદ્યાર્થીઓ ઘણા આવે. પણ બધા ચાની પ્યાલી કે નાસ્તાનું ખાલી પાઉચ ડસ્ટબીનમાંજ નાખતા થઇ ગયા છે. નવા આવ્યા હોય તો તેને હું કચરો એમાંજ નાંખવા સમજાવું પણ ખરો. અને તેઓ સમજી પણ જાય. બેએક વર્ષ પહેલાં અહીં કન્ટેનર રાખ્યું હતું. તેને લીધે તેની બાજુમાં ગંદકી થતી. કચરો પણ તેમાંથી નીચે પડતો. ગાયો તેમાં મોઢું નાંખીને પ્લાસ્ટિક ને બીજો કચરો ખાતી.

હું સવારે આવું ત્યારે તેમાં નીચે પડેલો કચરો જાતે ઉપાડીને પાછો તેમાં નાંખી દેતો. સાથે બહેનોને સમજાવતો કે, બહેન એમાં કચરો નાંખો તો ગાય ખાય છે એના કરતાં મનપાની ગાડી આવે એમાંજ નાંખી દો. એમાં મને ઘણી બહેનોનો સહયોગ મળ્યો. તેઓ કન્ટેનરમાં કચરો નાંખતા બંધ થઇ ગયા. એમાં એકવાર કોઇએ મેડીકલનો કચરો નાંખી ગયું હતું. એ ખાઇને 3-4 ચકલીઓ મરી ગઇ. એ પછી મ્યુ. કમીશ્નર રાજેશ તન્નાને રજૂઆત કરી. તો તેમણે મારી વાત સાંભળી, સ્વચ્છતાની કામગીરી નિહાળી અને કન્ટેનર હટાવી લીધું.

હવે અહીં ડસ્ટબીન છે. પણ તેની નીચે તમને કચરો નહીં જોવા મળે. બધો એમાંજ દેખાશે. હવે બધા અહીં મનપાની કચરા કલેક્શનની ગાડીમાંજ આવીને કચરો નાંખી જાય છે. હવે બધાને કચરો કરવાની શરમ આવે એવું ચોખ્ખાઇ અહીં રહે છે. તેમણે મને 18 એપ્રિલ 2022 ના રોજ સ્વચ્છતા સૈનિક તરીકેનું પ્રમાણપત્ર આપ્યું. એ પહેલાં તુષાર સુમેરા કમીશ્નર હતા ત્યારે કચરાનો ઢગલો બાજીમાંજ હતો. એકવાર તેઓ સાયકલ પર અહીં આવ્યા. મારી ચોખ્ખાઇ રાખવાની અને રોડ પર પણ કચરો વાળવાની કામગીરી જોઇ. બીજે દિવસે તેઓ પોતાની ગાડીમાં આવ્યા. મને પહેલાં તો કાંઇ ખબર ન પડી. પછી તેમણે એસઆઇને બોલાવ્યા. અને જેસીબીથી દુકાનની બાજુમાંથી કચરાનો ઢગ હટાવ્યો. મને ત્યારે ખબર પડી તેઓ કમીશ્નર છે.

અહીં ક્યારેય તાણ-આંચકી નથી આવી
કલ્પેશભાઇને તાણ-આંચકીની બિમારી છે. ડોક્ટરે ગરમીમાં રહેવાની ના પાડી છે. પણ અહીં આવીને કચરો વાળવાની કામગીરી તેઓ આખો દિવસ કરતા રહે છે. અહીં આવીને કચરો વાળું એ મારી કસરત છે. કદાચ ઇશ્વરકૃપાથી મને એટલેજ અહીં ક્યારેય તાણ-આંચકી નથી આવી. એમ પણ તેઓ કહે છે.

મહિને 2 સાવરણા ઘસાય જાય છે
કલ્પેશભાઇને પૂછતાં તેઓ કહે છે, દિવસમાં એકથી વધુ વખત રોડ વાળવાને લીધે મારે દર મહિને 2 સાવરણા અને 1 સાવરણી ઘસાઇ જાય. સ્વૈચ્છીક રીતે આ ઝૂંબેશ સ્વીકારી હોઇ એવું બધું ધ્યાનમાં નથી લેતો.

અન્ય સમાચારો પણ છે...