અનોખો વિરોધ:વેટરનરી ડોકટરના સ્ટાઇપેન્ડ કરતાં ચા, મેંગી વેંચવામાં કરવામાં વધુ આવક

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાઇપેન્ડ મુદ્દે વેટરીનરી કોલેજના વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, વિદ્યાર્થીઓને આંદોલન છાવણીમાં ચા,મેગી વેંચી, બૂટ પોલીસ કર્યા
  • આજે સવારે​​​​​​​ 10:30 વાગ્યે વિદ્યાર્થીઓ પોતાના લોહિથી પોસ્ટકાર્ડ લખી પીએમ, સીએમને મોકલશે

જૂનાગઢની કામઘેનું યુનિવર્સિટીની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ ભથ્થા મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. દરમિયાન હડતાળના 5માં દિવસ- શુક્રવારે તેમણે અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. વિદ્યાર્થીઓએ આંદોલન છાવણી ખાતે જ ચા, મેગી બનાવી વેંચવાનો તેમજ બુટ પોલીસ કરી પ્રતિકાત્મક વિરોધ વ્યકત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઇન્ટર્નશિપ ભથ્થા કરતા ચા, મેગી વેંચવામાં તેમજ બૂટ પોલીસ કરવામાં વધુ આવક થાય છે! તેમણે બોર્ડમાં જણાવ્યું હતું કે, વેટરનરીમાં ઇન્ટર્નશિપ માટે દરરોજના 12 કલાકના 140 લેખે 30 દિવસના 4,200 રૂપિયા ચૂકવાય છે.

સામે ચા વેંચીએ તો 1 કપના 10 રૂપિયા અને દરરોજના 100 કપ ગણતા દરરોજના 1000 લેખે 30 દિવસના 30,000 થાય. આમાંથી 15,000 ખર્ચ બાદ કરો તો પણ 15,000 આવક થાય. જ્યારે મેંગી વેંચીએ તો 1 મેગીના 20 રૂપિયા અને દરરોજની 75 મેંગી ગણતા દરરોજની 1500 લેખે ગણતા 30 દિવસના 45,000 થાય. તેમાંથી 25,000 ખર્ચ બાદ કરો તો પણ 20,000ની આવક થાય.

જ્યારે બૂટ પોલીસના 15 રૂપિયા લેખે દરરોજના 20 બૂટના પોલીસ કરતા દરરોજના 300 લેખે ગણતા 30 દિવસના 9,000 થાય. તેમાંથી 500 રૂપિયાનો ખર્ચ બાદ કરતા 8,500ની આવક થાય. ત્યારે ઇન્ટર્નશિપ કરી 4,200 ભથ્થું મેળવવા કરતા તો ચા,મેગી વેંચવામાં કે બૂટ પોલીસ કરવામાં વધુ આવક થાય છે. માટે ભથ્થું 4,200થી વધારીને 18,000 કરવાની માંગ છે.

8 ઓગસ્ટથી ભૂખ હડતાળ કરાશે
ભથ્થું વધારવાના મુદ્દે 3 ઓગસ્ટથી માંગણી કરાઇ રહી છે. સૂત્રોચ્ચાર, કાળી પટ્ટી બાંધી વિરોધ, રેલી યોજી કલેકટરને આવેદન અને પ્રતિકાત્મક વિરોધ છત્તાં તંત્ર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. ત્યારે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે તેમાં જણાવાયું છે કે, જો હવે માંગ સ્વિકારવામાં નહિ આવે તો 8 ઓગસ્ટથી પશુ ચિકિત્સા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરશે. જયારે શનિવારે સવારે 10:30 વાગ્યે ઉપવાસી છાવણી ખાતે વિદ્યાર્થીઓ પોતાના લોહીથી પોસ્ટ કાર્ડ લખી પીએમ, સીએમ, નાણામંત્રી અને પશુપાલન મંત્રીને મોકલશે.

અન્ય સમાચારો પણ છે...