સંભાવના:20 જૂનથી સોરઠમાં ચોમાસુ બેસશે, અરબી સમુદ્રમાં વરસાદની ધરી સ્થિર થતા સિસ્ટમમાં ફેરફાર, દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ થઇ શકે

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોંઘેરા મહેમાન મેઘરાજાના સ્વાગત માટે તૈયાર રહો, ચોમાસુ તેના નિયત સમયે શરૂ થઇ જશે

વાતાવરણમાં ફરી આવેલા પલ્ટાના કારણે સૌરાષ્ટ્રમાં 20 જૂનથી જ ચોમાસાની ઋતુના મંડાણ થાય તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. આ અગાઉ સર્જાયેલી સિસ્ટમના કારણે વ્હેલું ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા હતી. પરંતુ વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટાના કારણે ફરી ચોમાસું તેના નિયત સમયે જ શરૂ થશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 20 જૂને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. આ વખતે શરૂઆતમાં વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે ચોમાસું દર વર્ષ કરતા વ્હેલું શરૂ થાય તેવી સંભાવના હતી.

જોકે વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો છે. ખાસ કરીને કોકણ અને બોમ્બે આજુબાજુના દરિયામાં લો પ્રેસર સર્જાયું હતું જેના કારણે નૈઋત્ય પવનના બદલે પશ્ચિમના પવન શરૂ થયા હતા જેના કારણે ફરી ચોમાસું વ્હેલું શરૂ થવાના બદલે 20 જૂનથી તેમના નિયત સમયે જ શરૂ થશે તેવી શક્યતા હાલના તબક્કે જોવાઇ રહી છે. ચોમાસાની ધરી 9 જૂનથી વલસાડ અરબી સમુદ્રમાં સર્જાઇ છે જે 11 જૂને દિવ પહોંચી છે. વરસાદની ધરી અરબી સમુદ્રમાં સ્થિર થઇ હોય પરિણામે 20 જૂન પહેલા વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ 20 જૂનથી મેઘાના મંડાણ થશે. પરિણામે ખેડૂતોએ પોતાના ખેતરોને વાવણી લાયક બનાવવાની તૈયારી શરૂ કરી દેવી જોઇએ.

ખેડૂતો તૈયારી કરી લે
ચોમાસુ 20 જૂને સૌરાષ્ટ્રમાં દસ્તક દેશે. ત્યારે ખેડૂતોએ તે પહેલા તૈયારી કરી લેવી પડશે. વાવેતર કરવા માટે ખેતરને તૈયાર કરવા સાથે વાવેતર કરવા સારૂ બિયારણ, દવા અને ખાતર લઇ રાખવું પડશે. જ્યારે ચોમાસામાં પશુનો ઘાસચારો પલળી ન જાય તે માટે પણ તકેદારી રાખવી પડશે.

અગાઉ 6 જૂને વરસાદ પડ્યો હતો
સામાન્ય રીતે 20 જૂને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતું હોય છે. જોકે આ વર્ષે 6 જૂને જ મેઘરાજા વરસી પડ્યા હતા. જૂનાગઢ, બિલખા, પ્લાસવા, ખડીયા, ડુંગરપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પરિણામે ચોમાસુ વ્હેલું સક્રિય થયું હોવાનું અનુમાન થયું હતું.

આ રીતે થાય છે વરસાદ
ચોમાસાની વિધીવત રીતે શરૂઆત થતા સામાન્ય રીતે આ રીતે વરસાદ પડતો હોય છે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે. બાદમાં 20 જૂને સૌરાષ્ટ્રની ધરાને ભીંજવી દે છે. જ્યારે 25 જૂનથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તૂટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...