સારા વરસાદના સંકેત:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાનનો પરિસંવાદ યોજાયો, બાર આની વર્ષ રહેવાની આગાહી

જુનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાનું અનુમાન
  • ઓકટોબરનાં ત્રીજા અઠવાડીયામાં ચોમાસુ વિદાય લે તેવી શકયતા
  • કપાસ, મગફળી, તુવેર, એરંડા, સોયાબીન તેમજ શિયાળુ પાકો સારા થવાની શકયતા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. જૂનના ત્રીજા સપ્તાહથી વિધિવત ચોમાસું બેસી જવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ- 2022 યોજાયો હતો. આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતા.કુલપતિ પ્રો.નરેન્દ્ર ગોંટિયાએ જણાવેલ કે, વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પાકોની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આ આગાહી તંત્રને પણ ખૂબ ઉપયોગી પુરવાર થતી હોય છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તે માટે છેલ્લા 27 વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તકના રૂપમાં પ્રસિધ્ધ કરવા જરૂરી છે. તેઓએ ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવેલ હતા.

જયારે વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો.ગાજીપરાએ ઉદબોધનમાં જણાવેલ કે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઇને પોતાના પૂર્વાનુમાનો રજૂ કરતા હોય છે. આગાહીકારોને તેમના નિયમિત અવલોકનો લઇ યુનિવર્સિટીમાં મોકલી આપવા જણાવેલ હતુ. આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જેરામભાઇ ટીંબડીયા, ડો.પી.આર. કાનાણી, ડો.જે.ડી.ગુંદાલીયા, ડો.જી.આર. ગોહિલ, ડો. એ.એમ. પારખીયા ઉપસ્થિત રહેલ હતા. આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને 46 જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...