જેલમાં મોબાઈલ:જૂનાગઢની જિલ્લા જેલના બાથરૂમના પોખરમાંથી મોબાઈલ મળી આવ્યો, અજાણ્યા કેદી સામે ગુનો નોંધાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલર ગૃપ-2 ની ઝડતી સ્કવોર્ડ ટીમે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મોબાઈલ ઝડપી પાડ્યો
  • જેલમાંથી છાશવારે મોબાઈલ સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવતા સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થયા

જૂનાગઢની જિલ્લા જેલમાં ઝડતી સ્કોડની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં જેલના બાથરૂમના પોખરમાં છુપાવેલો મોબાઈલ મળી આવ્યો હતો. જૂનાગઢની જિલ્લા જેલમાંથી છાશવારે થતા ચેકિંગ દરમિયાન મોબાઈલ, પાન-માવાની પડીકીઓ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોવાથી જેલ સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે જેલ ઝડતી સ્કોડની ટીમે હાથ ધરેલા ચેકિંગમાં જનરલ બાથરૂમના પોખરામાંથી મોબાઈલ મળી આવ્યો હતો. જેને લઈ A ડીવીઝન પોલીસે અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ બપોરના સમયે અમદાવાદની જેલર ગૃપ-2 ની ઝડતી સ્કવોર્ડની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓની બેરેક, બાથરૂમ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ત્યારે જેલના સર્કલ-33 માં આવેલા જનરલ બાથરૂમના પ્રથમ પોખરાની અંદર છુપાવી રાખેલો કેમેરાવાળો સફેદ કલરનો બે સીમકાર્ડની જગ્યાવાળો બેટરી સાથેનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી જેલની તપાસ કરાઈ હતી.

જેમાં પ્રતિબંધિત મોબાઈલ મળી આવતા ઝડતી સ્કવોર્ડના દેવશી રણમલભાઇ કરંગીયાએ જેલના પ્રતિબંધિત વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ માટે મોબાઈલ રાખ્યો હોવાની ઉપરોક્ત વિગતો સાથે અજાણ્યા કેદી સામે ફરીયાદ નોંધાવતા A ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 188 અને જેલ અધિનિયમની કલમ 43 (12), 45 (12), 42 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા જેલમાં ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત ચીજ- વસ્તુઓ મળી આવવાનો સીલસીલો અવિરત ચાલુ છે. તો થોડા સમય પુર્વે એક કેદીના જન્મદિનની પાર્ટી પણ જેલમાં ઉજવણી થયેલ હોવાનું સામે આવતા જવાબદારો સામે બદલી જેવા પગલા પણ ઉપરીકક્ષાએથી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...