જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • જૂનાગઢ શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતાં પગથિયાં પર નયનરમ્ય નજારો સર્જાયો
  • હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં સવારે 6થી બપોરે 4 વાગ્યા દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. અનેક સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સરદારબાગ આસપાસની સોસાયટીઓના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ગિરનારનાં પગથિયાં પરથી વહેતાં પાણીનાં દૃશ્યો સર્જાયાં હતાં.

નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસનો વિસ્તાર પાણી ભરાયાં
જૂનાગઢ શહેરમાં આજે સવારે 6થી 4 દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતાં નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું હતું, જેને કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. ઝાંસીની રાણીના પૂતળા પાસે, સરદાર બાગ નજીક, આનંદ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી હતી.

એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ઘૂસી જતાં દીવાલ તોડવામાં આવી
સરદાર બાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ જતાં મુશ્કેલી સર્જાઈ હતી. મહાનગરપાલિકાએ જેસીબીની મદદથી દીવાલ તોડી પાણીનો નિકાલ કર્યો હતો.

લોકના ઘરમાં કેડસમાં પાણી ભરાયા
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડતા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે. જેનું પાણી શહેરના સરદારબાગ નજીક આવેલી સોસાયટીઓમાં ઘૂસી જતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી હતી. સોસાયટીઓના રસ્તા પર પણ નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.

વિશ્વકર્મા સોસાયટીમાંથી વૃદ્ધાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોમાં પણ હેરાન પરેશાની જોવા મળી રહી હતી. શહેરના મધુરમ વિશ્વકર્મા સોસાયટીમાં પાણી ઘુસ્યા હતા. ત્યારે ફાયરના જવાનો દ્વારા વરસતા વરસાદમાં ગોઠણડૂબ પાણીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને પેરાલીસીસગ્રસ્ત વૃદ્ધાને રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી જતા જુનાગઢ મનપાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી વરસેલો વરસાદ

જૂનાગઢ શહેર110 મીમી
વંથલી95 મીમી
માણાવદર91 મીમી
ભેસાણ63 મીમી
વિસાવદર52 મીમી
મેંદરડા44 મીમી
કેશોદ43 મીમી
માળિયા19 મીમી

ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર
ગિરનાર પર ભારે વરસાદને કારણે જૂનાગઢની કાળવા, લોલ, સોનરખ અને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર વરસેલા વરસાદને કારણે ભવનાથ અને દોલતપરા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસમાં આવેલા ગલિયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...