તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્રસ્વરૂપ:વિસાવદરમાં ચાર કલાકમાં 15 ઇંચ, ગીરના જંગલમાં ધોધમાર વરસાદથી જૂનાગઢ જળબંબાકાર, આજે જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

જૂનાગઢ3 દિવસ પહેલા
ભારે વરસાદને પગલે સોનરખ નદીમાં ઘોડાપૂર.
  • ગિરનાર પર 10 અને જૂનાગઢમાં 6 ઇંચ વરસાદને પગલે પાણી-પાણી
  • જૂનાગઢ શહેરના ત્રણ ડેમો ઓવરફ્લો, બે નદીમાં ઘોડાપૂર

ગત રાત્રિથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને પગલે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આજે સવારે જિલ્‍લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેને પગલે પંથકનાં નદી-નાળાઓમાં વરસાદી પાણીના નવા નીર ધસમસતા વહેતા જોવા મળતા હતા.

સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર
ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

ગતરાત્રિથી અવિરત ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ
જૂનાગાઢ જિલ્‍લાના નવેય તાલુકામાં ગતરાત્રિથી અવિરત કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદથી ખેડૂતોના મૂરઝાઇ રહેલા પાકને જીવતદાન સમાન હોવાથી જગતના તાતમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. જ્યારે રવિવારની રાત્રિથી સોમવારની બપોર સુધી જિલ્‍લાના નવેય તાલુકામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી.

દામોદર કુંડ વિસ્‍તારમાં વહી રહેલું પાણી.
દામોદર કુંડ વિસ્‍તારમાં વહી રહેલું પાણી.

રાત્રે 10થી સવારે 12 વાગ્‍યા સુધીના વરસાદના આંકડા
જૂનાગઢ જિલ્‍લાના નવેય તાલુકામાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્‍યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 14 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 3 ઇંચ, મેદરડામાં 2.5 ઇંચ, માંગરોળમાં 2.5 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ, માળિયાહાટીમાં 2 ઇંચ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે.

વિસાવદર પ્રથકમાં 4 કલાકમાં 12 ઇંચ વરસાદ
જૂનાગઢ જિલ્‍લામાં સૌથી વઘુ વિસાવદર પંથકમાં મેઘમહેર થઇ છે, જેમાં આજે સવારે ચાર કલાકમાં વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં 12 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં પંથકનાં નદી-નાળાઓમાં ધસમસતા વરસાદી પાણી વહેતાં થયાં હતાં. વિસાવદરના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ પર પણ પાણી ભરાઇ ગયાં છે. જ્યારે પંથકનાં ખેતરો પાણીથી તરબોતર થઇ ગયાં હતાં. જિલ્‍લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાનાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થયેલી જોવા મળી હતી.

ગિરનાર પર્વત પર 10 ઇંચ વરસાદ
ગત રાત્રથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. એમાં રાત્રિ દરમિયાન 2 ઇંચ, જ્યારે આજે સવારે 6થી બપોરે 12 વાગ્‍યા સુધી 6 કલાકમાં 4 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો, જ્યારે ગિરનાર પર્વત પર 10 ઇંચથી વઘુ વરસાદ વરસ્‍યો હોવાનું અનુમાન થઇ રહ્યુ છે. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના પાણીથી ડેમમાં આવક થતી હોવાને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન, આણંદપુર અને હસ્‍નાપુર ત્રણેય ડેમ ઓવરફલો થઇ ગયા છે, જેથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત મહદંશે પૂરી થઇ ગઇ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી બન્‍ને નદીઓમાં ઘોડાપૂર
ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કોળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાના ઊચાઈ પરથી લેવાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં કાળવા નદીનો આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢવાસીઓના મતે કાળવા નદીમાં ભાગ્યે જ આટલું પાણી આવતું હોય છે. જ્યારે ગત રાત્રિથી ગિરનાર પર્વત અને શહેર પર પડી રહેલા ભારે વરસાદથી જૂનાગઢના અનેક વિસ્‍તારો-માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જેને લીઘે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો
જૂનાગઢમાં ઝાંઝરડા ગરનારામાં કમમરડૂબ વરસાદી પાણી ભરાઇ જતાં એને બંધ કરવાની મનપાને ફરજ પડી હતી. તો શહેરની મધ્યે આવેલા પ્રખ્‍યાત નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થઇ જતાં આસપાસના વિસ્‍તારો અને રસ્‍તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જ્યારે શહેરના મજેવડી દરવાજાથી સાબલપુર ચોકડી સુધીના મુખ્‍ય રસ્‍તા પર વરસાદી પાણી ભરાઇ જતાં વાહનવ્‍યવહાર પ્રભાવિત થયો છે.

માર્ગો પર પાણી ભરાતાં એસટી સહિતનો વાહનવ્‍યવાર પ્રભાવિત
જૂનાગઢથી જામનગર અને રાજકોટ જવાના મુખ્‍ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હોવાને પગલે સુરક્ષાને ધ્યાને લઇ એસટી સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને પગલે ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ધસમસતું વરસાદી પાણી વહેતું જોવા મળતું હતું. ગિરનાર પર પડી રહેલા ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાય રહ્યો હોવાથી રોપ-વે સેવા આજે બંધ રાખવાની ફરજ પડી છે.

આણંદપુર ગામ નજીક નદીમાં ગાડી ખાબકી
ભારે વરસાદને પગલે જિલ્લાના આણંદપુર ગામ નજીક નદીમાં ગાડી ખાબકી હોવાની પણ ઘટના સામે આવી છે. જોકે સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ગાડીમાં સવાર એક જ વ્યક્તિને હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ગાડી પાણીના પ્રવાહમાં ફસાઇ જતાં એને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવી હતી.

જૂનાગઢ શહેરમાં ગરનાળામાં ભરાઈ ગયેલું વરસાદી પાણી.
જૂનાગઢ શહેરમાં ગરનાળામાં ભરાઈ ગયેલું વરસાદી પાણી.

ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતાં જૂનાગઢ શહેર જળબંબાકાર થયું છે. જૂનાગઢ રાજકોટ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર પૂર પાણી ફરી વળ્યાં છે, જ્યારે દોલતપરા વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસ્યાં છે. પાણીના નિકાલ માટે મનપા દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોએ પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવાની શરૂઆત કરી છે, જો ડિવાઈડર તોડવામાં ન આવે તો લોકોનાં ઘરમાં પાણી ઘૂસી એવી શક્યતા છે.

દામોદર કુંડની મુલાકાત લેતા જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી
દામોદર કુંડની મુલાકાત લેતા જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી

દામોદરકુંડ અને વિલીગ્ડન ડેમ સ્થળોએ ચાર દિવસ સુધી પ્રતિબંધ

વર્તમાન પરીસ્થિતીમાં ભારે વરસાદનાં કારણે ગીરનાર ઉ૫૨વાસમાં વધુ વરસાદ થવાથી નિચાણવાળા વિસ્તારમાં વધુ પાણીની આવક થયેલી હોવાથી વિલીંગ્ડન ડેમ તથા દામોદર કુંડ ખાતે હાલ વધુ પાણી ભરાઈ ગયેલા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલા હોવાથી આ સ્થળો ખાતે બહોળા પ્રમાણમાં લોકોની આવક–જાવક ધ્યાને લઈ કોઈ અકસ્માત ન સર્જાય તેની અગમચેતીનાં ભાગરૂપે ઉકત બંને વિસ્તારો વિલીંગ્ડન ડેમ તથા દામોદર કુંડ વિસ્તારો પર તા.13/09/2021થી તા.16/09/2021 (ચાર દિવસ સુધી) સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વંથલી-માણાવદર હાઇવે બંધ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઇને વંથલી-માણાવદર હાઇવે બંધ થયો છે. હાઇવે પર ઉબેણ નદીનું પાણી ફરી વળતા લોકો જીવ જોખમમાં ન મૂકાય જેની સાવચેતીને લઇને રસ્તો બંધ કરાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે સાથે રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

ભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢમાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હોય તે પરિસ્થિતિને ઘ્યાને લઈ જિલ્લાની તમામ સરકારી, બીન સરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામાં આવતી કાલે મંગળવારના દિવસે શૈક્ષણિક કાર્ય બંઘ રાખવાનું રહેશે. જિલ્લાની તમામ શાળાએ આ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા તંત્રએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...