નદીઓમાં ઘોડાપૂર:ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગીર-ગઢડામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી જ પાણી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ફરી એકવાર બંધ કરાયો
  • ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પણ પાણી ફરી વળ્યાં
  • જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ જારી, સ્કૂલ-કોલેજમાં રજા જાહેર

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગતરાત્રિથી ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં 5 ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ 2થી 3 ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જોડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ બે દિવસ સુધી સ્કૂલ તેમજ કોલેજમાં રજા રાખવામાં આવી છે.

જિલ્લામાં બે દિવસ સ્કૂલ-કોલેજ બંધ
ભારે વરસાદની આગાહીને પગેલ જિલ્લામાં બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસ રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં તા.14/7/2022 અને તા.15/7/2022ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ જેથી જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવે છે.

ભાલકા તિર્થમાં ગોઠણસમાં પાણી ભરાયા
ગીરસોમનાથના ભાલકા તિર્થ ખાતે પણ ભારે વરસાદના પગલે ગોઠણ સમા પાણી ભરાયા હતા. ભગવાન કૃષ્ણને પારધીને બાણ માર્યું એ સ્થળ પર પાણી ભરાતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ભાલકાતિર્થ મંદીરમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગૂરૂપૂર્ણીમાના દિવસે ભક્તોએ પાણીમાંથી પસાર થઈને કૃષ્ણના દર્શન કર્યા હતા.

ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ
ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. એ મુજબ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની પૂરતી શક્યતા હોવાથી તંત્ર અને લોકોએ સાવચેત રહેવા જણાવ્યું છે, જે આગાહી મહદંશે સાચી ઠરી રહી હોય એમ ગતરાત્રિથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

તાલાલામાં 3 ઇંચ ખાબક્યો
ગીર-ગઢડા-ઉના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વસરી રહ્યો છે. ત્યારે ગતરાત્રિના 10થી સવારના 10 વાગ્યા સુધીમાં જિલ્લામાં પડેલા વરસાદ મુજબ વેરાવળમાં 50 મિમી (2 ઈંચ), તાલાલામાં 70 મિમી (3 ઈંચ), સુત્રાપાડામાં 90 મિમી (3.5 ઈંચ), કોડીનારમાં 70 (3 ઈંચ), ઉનામાં 75 મિમી (3 ઈંચ) અને ગીર-ગઢડામાં 120 મિમી (5 ઈંચ) વરસાદ વરસી ગયો છે.

તાલુકા મથકોને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા
ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ 4 ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જોવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જોડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જોડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યાં હતાં.

દ્રોણેશ્વર ડેમ ફરી છલકાયો
આજના ભારે વરસાદને પગલે પંથકનાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. ભરપૂર પાણીની આવકને પગલે પંથકના સણોસરી ગામનું શ્યામ સુંદર તળાવ અને મછુન્દ્રી નદીમાં પૂરના પગલે પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ ફરી છલકાઈ ગયો હતો. તો ગીર-ગઢડા ગીર જંગલની નજીક આવેલું હોવાથી જંગલ વિસ્તારમાં પણ અવિરત ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. સતત ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદને લીધે પંથકવાસીઓ અનેરી ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે.

રસ્તાઓ ઉપર ઠેરઠેર પાણી ભરાયાં
બીજી તરફ, જિલ્લાના અન્ય વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના શહેર- તાલુકાઓમાં પણ સરેરાશ 2થી 3 ઈંચ વરસાદ વરસી ગયા બાદ પણ હજુ આ લખાય છે ત્યાં સુધી ચાલુ છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણી ભરાયાં ગયાં હતાં. તો આજે ઠંડા પવન સાથે વરસાદ વરસી રહ્યો હોવાથી લોકો અનેરી ઠંડકનો અનુભવ પણ કરી રહ્યા છે.

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ફરી એક વખત બંધ
વેરાવળ-કોડીનારને જોડતા નિર્માણાધીન નેશનલ હાઈવે ઉપર પેઢાવાડા ગામ નજીક હાઈવે ઉપર સોમત નદીમાં આવેલા પૂરનું પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો હતો, જેને પગલે બન્ને તરફથી વાહનવ્યવહાર અટકી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ ટૂંકા દિવસોમાં બીજી વખત મહત્ત્વનો હાઈવે બંધ થતાં લોકોમાં તંત્રની અણઘડ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો હતો. આ હાઈવેની કામગીરીમાં અનેક ઠેકાણે ઢંગધડા વગરના ડાઇવર્ઝન કાઢવામાં આવ્યા હોય, જે વરસાદમાં ગરકાવ થતા હોવાથી ચાલકોને વાહનો કાઢવામાં ભારે મુશ્કેલી પડે છે. એ અંગે તંત્રએ ઠોસ આયોજન સાથે કાર્યવાહી કરવાની જરૂર હોવાની લોકલાગણી પ્રવર્તી રહી છે.

સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીના આંકડા

  • ઉના 38 મિમી (1.5 ઈંચ)
  • કોડીનાર 74 મિમી (3 ઈંચ)
  • ગીરગઢડા 48 મિમી (2 ઈંચ)
  • વેરાવળ 52 મિમી (2 ઈંચ)
  • સુત્રાપાડા 88 મિમી (3.5 ઈંચ)
  • તાલાલા 6 મિમી

સરેરાશ સમગ્ર જિલ્લામાં 2થી 3 5 ઇંચ વરસાદ વરસ્યો

અન્ય સમાચારો પણ છે...