સિઝનનો વરસાદ:બુધવારે મેઘરાજાનો વિરામ, લોકોને આરામ, 28 કલાકથી જૂનાગઢ શહેરમાં વરાપ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર 2 મીમી વરસાદ પડ્યો, સિઝનનો કુલ 92.43 ટકા

જૂનાગઢ શહેરમાં છેલ્લા 28 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન વરાપ નિકળતા તમામ લોકોએ પણ આરામ અનુભવ્યો હતો. જોકે, છેલ્લા 28 કલાકમાં માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ 92.43 ટકા થઇ ગયો છે. જૂનાગઢ શહેરમાં રવિવારની મોડી રાત્રીથી મેઘરાજાએ મુકામ કર્યો હતો. લાંબા સમયની ઇન્તેજારી બાદ આવેલા મેઘરાજા જાણે ફૂલ ફોર્મમાં હોય તેમ ધુંઆધાર બેટીંગ કરી હતી.

ટેસ્ટ મેચની જેમ રવિવારની રાત્રીથી મંગળવારના બપોરના 2 સુધીમાં મેઘરાજાએ ઇનીંગ ખેલી હતી જેમાં ભારે ફટકાબાજી કરતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. નદી,નાળા, ડેમ, સરોવર ઓવરફ્લો થઇ ગયા હતા તેમજ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદના કારણે સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડી હતી. અનેક માર્ગો બંધ થતા એસટીની સેવા પણ ખોરંગાઇ હતી. જોકે, એકધારા વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ જતા ધરા તૃપ્ત થઇ ગઇ હતી.

દરમિયાન હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પણ લોકો પ્રાર્થના કરવા લાગ્યા હતા. જોકે, જાણે લોકોની પ્રાર્થના સાંભળી હોય તેમ મંગળવારના બપોરના 2 થી બુધવાર સાંજના 6 સુધીમાં માત્ર 2 મીમીને બાદ કરતા મેઘરાજાએ સર્વત્ર વરાપ રાખી હતી. ત્રણેક દિવસ બાદ મેઘરાજાએ ખમૈયા કરતા વરાપ નિકળી હતી સાથે સૂર્યનારાયણ ભગવાનના પણ લોકોને દર્શન થયા હતા જેથી લોકો પણ ખુશ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...