તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘા રે મેઘા રે મત પરદેશ જા તૂ.:જૂનાગઢમાં મેઘરાજાના રિસામણાથી લોકો સાથે જગતના તાતની પણ મુંઝવણ વધી, ઓગસ્ટમાં માત્ર 1.14 ઇંચ વરસાદ પડ્યો!!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હજુ પણ ધૂપ છાંવ વચ્ચેના વાતાવરણ પછી પણ ભારે તડકાથી વરસાદ પડવાની સંભાવના નહિવત જણાઇ રહી છે

જૂનાગઢમાં વરસાદના મહિનામાં પણ વરસાદની ખેંચ રહેવા પામી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ આકરી ગરમી પડી રહી છે. જ્યારે ભરપૂર મેઘ મહેરના બદલેે ઝાપટા પણ પડતા ન હોય લોકોની સાથે જગતના તાતની ચિંતામાં પણ વધારો થયો છે. દરમિયાન છેલ્લા 3 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં પણ સાવ મામુલી વરસાદ પડ્યો છે. વર્ષ 2019માં ઓગસ્ટ માસમાં 12.92 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વર્ષ 2020ના ઓગસ્ટ માસમાં મહિનાનો વરસાદ 33 ઇંચ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષ 2021માં ઓગસ્ટ માસનો વરસાદ માત્ર 1.14 ઇંચ જ નોંધાયો છે.

આમ, જોઇએ તો ઓગસ્ટ માસ કોરો જ રહી ગયો તેમ કહેવામાં પણ જરાય અતિશ્યોક્તિ નહી ગણાય. દરમિયાન વરસાદની અત્યાર સુધીતો ખેંચ રહી જ છે, પરંતુ હજુ પણ મેઘરાજાની પઘરામણી થાય તેવા કોઇ અણસાર હાલના તબક્કે જણાતા નથી. પરિણામે લોકોની ચિંતામાં વધારો થયો છે. જો હવે વરસાદ ખેંચાશે તો ખેતરમાં ઉભા પાકને બચાવવો લગભગ મુશ્કેલ બની જશે. સાથે પીવાના પાણીની પણ તંગી ઉભી થવાની શક્યતા સેવાઇ રહી છે.

ભારત ખેતી પ્રધાન દેશ છે. તમામ આર્થિક પ્રવૃત્તિ પર ખેતીની આવકની ભારે અસર રહે છે. જો વરસાદના અભાવે ખેતીનો પાક નિષ્ફળ જશે તો તેની અસર અન્ય તમામ વ્યવસાય, ધંધા પર પડી શકે છે. પરિણામે આર્થિક તંગીનો તમામ વર્ગના લોકોને સામનો કરવો પડી શકે છે. ત્યારે હવે લોકોની આશા જન્માષ્ટમી પર રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસથી જ મેઘરાજા કૃપા દ્રષ્ટિ વરસાવે અને ભરપૂર મેઘમહેર થાય તેમ તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

ચાલુ વર્ષે 2019 જેવી સ્થિતી, ત્યારે પણ વાવાઝોડાથી ચોમાસામાં પ્રારંભ થયો હતો
વર્ષ 2019માં જૂન માસમાં 6.68 ઇંચ, જ્યારે જૂલાઇ માસમાં 7.01 ઇંચ અને ઓગસ્ટમાં 12.92 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ, સિઝનનો કુલ વરસાદ જૂનમાં 6.68 ઇંચ, જૂલાઇનો સિઝનનો વરસાદ 13.7 ઇંચ અને ઓગસ્ટનો સિઝનનો કુલ વરસાદ 26.62 ઇંચ પડ્યો હતો. 2019માં પણ ચોમાસાનો પ્રારંભ વાવાઝોડાથી થયો હતો તે વર્ષે પણ ચોમાસાની શરૂઆત નબળી હતી.

વર્ષ 2019 કરતા 2020માં 217.65 ટકા વરસાદ પડ્યો, 2021માં ઓછો
વર્ષ 2020માં જૂન માસમાં 8.63 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂલાઇમાં 16.30 ઇંચ અને ઓગસ્ટમાં 33 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિઝનનો વરસાદ જૂનમાં 8.63 ઇંચ, જૂલાઇમાં 24.94 ઇંચ અને ઓગસ્ટમાં 57.94 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ, વર્ષ 2019માં સિઝનનો વરસાદ 26.62 ઇંચ હતો જે વર્ષ 2020માં 57.94 ઇંચ થઇ જતા વર્ષ 2019 કરતા 2020માં 217.65 ટકા વરસાદ પડ્યો હતો.

વર્ષ 2021માં છેલ્લા 3 વર્ષનો સૌથી ઓછો વરસાદ
વર્ષ 2021માં જૂનમાં 2.67 ઇંચ, જૂલાઇમાં 9.96 ઇંચ અને ઓગસ્ટમાં માત્ર 1.14 ઇંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે સિઝનનો વરસાદ જૂનમાં 2.67 ઇંચ, જૂલાઇમાં 12.63 ઇંચ અને ઓગસ્ટમાં 13.77 ઇંચ નોંધાયો છે. દરમિયાન વર્ષ 2019માં સિઝનનો કુલ વરસાદ 26.62 ઇંચ, 2020માં 57.94 ઇંચ અને 2021માં 13.77 ઇંચ પડ્યો હોય વર્ષ 2021નો વરસાદ છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, હજુ વરસાદનાં એંધાણ દેખાતા નથી. જેને લઇ ખેડૂતો ચિંતીત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...