જૂનાગઢનું જળસંકટ દૂર:જૂનાગઢ પર છેલ્લા 13 દિ'થી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા 3 ડેમોમાં 1 વર્ષ ચાલે તેટલા પાણીના જથ્થાની આવક થઇ છે

જૂનાગઢ શહેર પર મેઘરાજા ભારે મહેરબાન થયા છે. અષાઢી બીજના દિવસથી શરૂ થઇ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 13 દિવસથી સતત હેત વરસાવવાના કારણે જૂનાગઢ પાણી પાણી થઇ ગયું છે. હાલ માત્ર 58 ટકા વરસાદમાં જ ડેમોમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા જૂનાગઢ શહેરનું 1 વર્ષનું જળસંકટ દૂર થયું છે. ખાસ કરીને છેલ્લા 13 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા 3 ડેમોમાં 1 વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આવી ગયો છે. પરિણામે જૂનાગઢનું જળ સંકટ દૂર થઇ ગયું છે.

જોકે, હજુ તો માત્ર 58 ટકા જ વરસાદ થયો છે. વરસાદની અડધી સિઝન તો હજુ બાકી છે. ત્યારે વધુ વરસાદ થતા પાણીની આવક વધશે. ત્યારે આગામી સમયમાં શહેરમાં એકાંતરાના બદલે કાયમી પાણી વિતરણ કરી શકાય તે માટેનું આયોજન- કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલ તો શહેરનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે અને હસ્નાપુર ડેમ પણ ઓવરફ્લો થવામાં માત્ર 6 ફૂટ બાકી રહ્યો છે. દરમિયાન હજુ પણ વરસાદ ચાલુ જ હોય આ ડેમ પણ નજીકના દિવસોમાં જ ભરાઇ જશે.

ડેમની સ્થિતી અને લેવાતું પાણી

  • વિલીંગ્ડન ડેમ હાલ 34 ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ડેમમાંથી દરરોજ 2 એમએલડી પાણી લેવાય છે.
  • આણંદપુર ડેમ પણ હાલ ઓવરફ્લો થઇ રહ્યો છે.તેની ઉંચાઇ 12 ફૂટથી વધારે છે, પરંતુ પહોળાઇ વધુ હોય પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઇ શકે છે. આ ડેમમાંથી દરરોજ 15 એમએલડી પાણી લેવાય છે.
  • હસ્નાપુર ડેમની ઓવરફ્લોની સપાટી 33 ફૂટની છે જેમાં હવે અંદાજે 6ફૂટ બાકી છે. ત્યાર બાદ આ ડેમ પણ ઓવરફ્લો થઇ જશે. આ ડેમમાંથી દરરોજ 10 એમએલડી પાણી લેવાય છે.
  • કૂવા અને બોરમાંથી 2 એમએલડી પાણી મેળવાય છે. જૂનાગઢની પાણીની જરૂરિયાત 60એમએલડીની છે. એકાંતરા પાણી વિતરણ કરતા દરરોજ 30એમએલડીની જરૂરિયાત રહે છે. ત્યારે વિલીંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ડેમમાંથી થઇને કુલ 27 એમએલડી પાણી દરરોજ ઉપાડાય છે. બાકી 3 એમએલડી પાણી શહેરના કૂવા, બોરમાંથી મેળવાય છે. -અલ્પેશ ચાવડા, વોટર વર્કસ ઇજનેર.
અન્ય સમાચારો પણ છે...