તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજા:મધુરમ, ટીંબાવાડીમાં મેઘરાજા રિઝ્યા, દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં મેઘરાજાનું ક્યાંક ભારે હેત તો ક્યાંક માત્ર હાજરી પૂરાવી, અનેક વિસ્તારોમાં ગેરહાજરી પણ રહી!
  • સરકારી ચોપડે માત્ર 1 એમએમ વરસાદ નોંધાયો, શહેરના અનેક વિસ્તારોમાં માત્ર ધૂળની ડમરી ઉડી

જૂનાગઢ શહેરમાં લાંબા વિરામ બાદ શહેરના અમુક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મેઘરાજાએ મધુરમ, ટીંબાવાડીમાં ધુંઆધાર બેટીંગ કરી 1.5 ઇંચ વરસાદ વરસાવતા ચારો તરફ પાણી પાણી થઇ ગયું હતું. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં ક્યાંક માત્ર ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી તો અનેક વિસ્તારોમાં વરસાદ ન પડતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જૂનાગઢ શહેરના મધુરમ, મંગલધામ, ટીંબાવાડી, દિપાંજલી સહિતના અનેક વિસ્તારોમાં બપોરના સમયે વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. થોડો સમય લોકોએ ભારે બફારાનો સામનો કર્યો હતો. બાદ મેઘરાજા જાણે મનમૂકીને વરસી રહ્યા હોય તેમ 1.5 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા.

જ્યારે મંગલધામમાંથી પસાર થતા વોકળો બેકાંઠે વહેતો થયો હતો. દરમિયાન લાંબા સમય બાદ અને એમાંયે બપોરના સમયે વરસાદ થતા લોકોને ગરમી અને બફારાથી મુક્તિ મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા અને અનેક સ્થળે નાના તળાવડા રચાયા હતા. વરસાદ આવતાની સાથે જ નાના બાળકો વરસાદમાં ભીંજાવાની મોજ માણવા નીકળી પડ્યા હતા. વરસાદમાં પલળીને બાળકોએ અનેરો આનંદ ઉઠાવ્યો હતો.

જ્યારે અનેક મોટેરાઓને પણ વરસાદી વાતાવરણ જોઇ બચપન યાદ આવી ગયું હોય તેમ તેઓએ પણ નાના બાળકો સાથે વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. જોકે શહેરના મોતીબાગ, સરદાર બાગ, બસ સ્ટેશન, ગાંધીચોક, રેલ્વે સ્ટેશન રોડ, મજેવડી દરવાજા વગેરેમાં તો માત્ર હળવા ઝાપટા જ પડ્યા હતા જેના કારણે રોડ પણ માંડમાંડ ભીના થયા હતા. જ્યારે દોલતપરા, જીઆઇડીસી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા ન હતા. ઉલ્ટાનું પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને મુશ્કેલી પડી હતી.

આમ, મેઘરાજા ક્યાંક મનમૂકીને વરસ્યા હતા તો ક્યાંક માત્ર ઝાપટા પાડી હાજરી પુરાવી હતી. જ્યારે અનેક વિસ્તારોમાંતો મેઘરાજાની ગેરહાજરી જોવા મળી હતી. દરમિયાન મધુરમ, મંગલધામ, ટીંબાવાડી, દિપાંજલી સહિતતના અનેક વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે સરકારી ચોપડે તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાંતો માત્ર 1 એમએમ વરસાદ નોંધાયો હતો!

કૃષિ યુનિ.ના ખેતરમાં પાણી ભરાયા
મંગળવારે મંગલધામ 1માં બપોર બાદ પડેલા ભારે વરસાદના કારણે વસુંધરા એપાર્ટમેન્ટ પાછળના કૃષિ યુનિવર્સિટીના ખેતરોમાં પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...