મેઘમહેર:જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજા વરસ્યા, 1.5 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયાના દ્રશ્યો સામે આવ્યા

જૂનાગઢ શહેરના વાતાવરણમાં બીજા દિવસે પણ બપોરના સમયે પલટો આવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યુ હતુ. દોઢેક કલાકમાં ધીમી ધારે 1.5 ઈંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનો ગરમીના બફારાથી રાહત અનુભવી રહ્યા હતા.

દોઢ કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો
ચાલુ વર્ષે ગઈકાલે ભીમ અગિયારસના દિવસે જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ પ્રથમવાર પધરામણી કરી હતી. ત્યારબાદ આજે બીજા દિવસે રવિવારે બપોરના સમયે એકાદ વાગ્યે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવી ને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા ગયેલ હતા. બાદમાં મેઘરાજાએ દસ્તક દઈ ધીમી ધારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયુ હતુ. અંદાજે દોઢેક કલાક સુધી ધીમી પણ ધીંગી ધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરના રસ્તાઓ અને બજારોમાં વરસાદી પાણી વહેતા થવા લાગ્યા હતા. તો વરસાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવી રહ્યા હતા.

રવિવારની રજામાં લોકોએ ન્હાવાની મોજ માણી
તંત્રના જણાવ્યા મુજબ બપોરના સમયે જૂનાગઢ શહેરમાં 38 મીમી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે રવિવારે પડેલ વરસાદનો લ્હાવો લેવા બાળકો અને લોકો શેરી અને અગાશીઓ ઉપર ન્હાવા નીકળી પડ્યા હતા. આમ જૂનાગઢ શહેરમાં સતત બે દિવસથી મેઘરાજાએ પધરામણી કરી કુલ 2.5 ઈંચ વરસાદ વરસાવી ચૂકતા વાતાવરણમાં ગરમીમાં આંશિક ઘટાડો લોકો અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...