ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાયું:સોરઠના અનેક વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, ગીરગઢડામાં બે ઈંચ જ્યારે જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા

જુનાગઢએક મહિનો પહેલા
  • વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત
  • વિસાવદર તાલુકામાં 11 MM અને ગીરગઢડા પંથકમાં 2 ઈંચ વરસાદ

સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી હેત વરસાવ્યું હતું. જેથી રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા. જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જે બાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં આજે 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ.વરસાદ વરસ્યો હતો.
અસહ્ય બફારા બાદ વરસાદ
ચાલુ વર્ષે ઉનાળામાં પડી રહેલી આકરી ગરમીના કારણે લોકો અને વન્યપ્રાણીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારાનો પણ લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે આજે ભીમ અગિયારસના દિવસે સવારથી જ સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળતા હતા.

રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા

આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના વિસાવદર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સતત અડધી કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે પંથકના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. તંત્રના જણાવ્યાં મુજબ ચાલુ વર્ષની સીઝનનો પ્રથમ વરસાદ વિસાવદર તાલુકામાં બપોરના 12 થી 2 દરમિયાન 11 MM (અડધો ઇંચ) જેટલો વરસ્યો છે.

વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં પણ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. સતત પોણો કલાક સુધી ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવી દેતા લોકોને ગરમીમાંથી રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. ગીરગઢડા ગામ અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. તંત્રના જણાવ્યાં મુજબ બપોરના 12 થી 2 દમિયાન ગીરગઢડા પંથકમાં 16 MM(અડધો ઇંચ) વરસાદ વરસી ગયો છે. તેમજ બપોર બાદ વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લા મથક વેરાવળમાં પણ સવારે નવેક વાગ્યે મેઘરાજાએ એન્ટ્રી કરી અડધા કલાક જેવો ધીમી ધારે હેત વરસાવ્યું હતું. વેરાવળમાં પણ 6 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બંને જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજા ધીમીધારે વરસ્યા હતા.

ગીર સોમનાથના ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો
ભીમ અગિયારસના દિવસે જિલ્લાના ગીરગઢડા પંથક ઉપર મેઘરાજાએ પધરામણી કરવાની સાથે ઓળઘોળ થયા હોય તેમ બીજા રાઉન્ડમાં બપોરના બે થી ચાર દરમિયાન બે કલાકમાં વધુ 38 MM (1.5 ઈંચ) વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી. ગીરગઢડા પંથકમાં 2 ઈંચની આસપાસ વરસાદ વરસતા શેરીઓ અને મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોવાનું નજરે પડ્યું હતું. ગીરગઢડા પંથકમાં મોટા પાયે ખેતી થતી હોવાથી વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યાં હતા.

જૂનાગઢ શહેરમાં પણ મેઘ મહેર
જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જુનાગઢ શહેર અને તાલુકામાં બપોરના અઢી વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસાવવાનું શરૂ થયો હતો. જેમાં 21 MM (પોણો ઈંચ) જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સીઝનના પ્રથમ વરસાદનો લ્હાવો લેવા બાળકો શેરીઓ અને અગાસી પર દોડી જઇ ન્હાવા લાગ્યા હતા. જૂનાગઢની બજારોમાં વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. જૂનાગઢના ગિરનારમાં પણ મેઘમહેર થઈ હતી. ગિરનાર પર્વત ઉપર વરસાદ વરસતા પગથિયા ઉપર પાણી ફરી વળ્યા હતા. તેમજ પ્રવાસીઓને સીડી ચડવામાં મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...