સાંબેલાધાર વરસાદ:જૂનાગઢના માણાવદરમાં મેઘરાજા મહેરબાન, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી

જુનાગઢ7 દિવસ પહેલા
  • ધોધમાર વરસાદના પગલે બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્યો

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર-પંથકમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકાદ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરની બજારો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોનો ગરમીથી છુટકારો અનુભવ કરી રહ્યા હતા. તો થોડા દિવસો બાદ ફરી થયેલ મેઘસવારીના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

માણાવદરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
આજે સવારથી જુનાગઢ જિલ્લાના તાલુકાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જતા મેઘરાજા પધરામણી કરશે તેવો માહોલ જોવા મળતો હતો. દરમ્યાન બપોરના એકાદ વાગ્યા આસપાસ માણાવદર શહેર અને પંથકમાં કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યુ હતુ. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેના પગલે શહેરની બજારો, સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયેલ જ્યારે રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી જોવા મળતી હતી.

જીનિંગ મિલોમાં પણ પાણી ઘૂસી ગયા
માણાવદરમાં સાંબેલાધારે વરસાદ પડતા મીતડી રોડ ઉપર આવેલી જીનિંગ મિલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ત્યારે નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈએ માગ કરી છે.

ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગૂલ
તંત્રના જણાવ્યા મુજબ માણાવદર શહેરમાં 77 મીમી (3 ઈંચ) વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કારણે પીજીવીસીએલના અનેક ટીસીમાં ફોલ્ટ સર્જાતા ટીમો દોડાવવામાં આવી હતી.

ધાતરવડી અને શેત્રુંજી નદીમાં ચોમાસાનું પહેલું પૂર
અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...