તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય શાયરની જન્મ જયંતિ:જૂનાગઢ અને ગીર સોમનાથના આંગણે મેઘાણી વંદના કસુંબીનો રંગ ઉત્સવ યોજાયો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાના અને સોમનાથમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અઘ્‍યક્ષસ્‍થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ અને ગીર સોમનાથના આંગણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત મેઘાણી વંદના કસુંબીનો રંગ ઉત્સવ યોજાયો હતો. જેમાં મેઘાણીજીની રચનાઓ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવા સાથે તેમના પુસ્તકોનો સેટ જિલ્લા લાઇબ્રેરીમાં અપાયા હતા. આ પ્રસંગે મેઘાણીજીની જીવન કવન પર આધારિત દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

જૂનાગઢ ખાતે યોજાયેલી ઉજવણીમાં હાજર મહાનુભાવોએ જણાવ્યુ હતુ. કે, મેઘાણીજી પત્રકાર, વક્તા, લેખક હતા તેમણે ભાષા, વાણી, પરંપરા અને પ્રદેશને જીવંત કર્યા હતા. તેમના રચેલા દુહા, છંદ, હાલરડા, લગ્નગીતો આજે પણ ગુંજે છે. તેમણે સતત ભ્રમણ કરી લોકસાહિત્યને શોધી શોધીને લોકો સુધી પહોંચાડ્યું હતું.

મેઘાણીજીએ કેટલોક સમય જૂનાગઢની બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલમાં રહી સંસ્કૃત વિષય પર શિક્ષણ મેળવ્યું હતું. આઝાદીની લડતમાં બે વર્ષ સુધી જેલવાસમાં રહેનાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ 1930 ના ધોલેરા સત્યાગ્રહના અવસરે 15 શોર્યગીતોને સંગ્રહ સિંધુડો પ્રગટ થયો. દેશભક્તિના રંગે રંગાયેલ આ ગીતોની જાદુઇ અસરથી યુવાનોમાં નવચેતનાનો સંચાર થયો અને મોટી સંખ્યામાં યુવાનો આઝાદીની લડતમાં જોડાયા. બ્રિટીશ સરકારે શોર્યગીતોનો સંગ્રહ સિંધુડો જપ્ત કર્યો.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, કવિ નરસિંહ મહેતા યુની.ના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, ધારાસભ્ય બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રીંબડીયા, કારોબારી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડ્યા, જિલ્લા કલેકટર રચિત રાજ, મ્યુ.કમીશ્નર રાજેશ તન્ના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.આર.પી.ભટ્ટ તેમજ આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો.પી.વી.બારસીયાએ જણાવ્યું હતું કે, મેઘાણીજીએ બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલમાં રહી થોડો સમય બહાઉદીન કોલેજમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ કર્યો હતો. તેમણે લખેલા પત્રો હજુ પણ બહાઉદ્દીન કોલેજમાં છે. તે અહીંયા સંસ્કૃત શીખવાની ઇચ્છાથી આવ્યા હતા.

સોમનાથ સાંનિઘ્‍યે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો

સોમનાથના રામ મંદિરના ઓડીટોરીયમમાં રાષ્ટ્રીય શાયરઝવેરચંદ મેઘાણીની 125 જન્મજયંતિની ઉજવણી મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ચાવડાએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૈારવપુર્ણ બિરૂદથી નવાજ્યાએ ઝવેરચંદ મેઘાણીની 125 જન્મજયંતિના અવસરે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી નવાજ્યા હતા તેવા સમર્થ સાહિત્યકાર મેઘાણીજીની કલમની તાકાતથી શોર્યગીતો અને દેશપ્રેમ ઉજાગર થવા સાથે લોકો આઝાદીના રંગે રંગાયા હતા. મેઘાણી આજે પણ લોકહયૈ જીવંત છે. લોક સાહિત્ય ક્ષેત્રે તેમનું અનન્ય અને મહામુલુ પ્રદાન ક્યારેય વિસરાશે નહી સદાય અજરામર રહેશે.

આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન ઉપર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવી હતી. મંત્રી અને મહાનુભાવોના હસ્તે મેઘાણીના પુસ્તકોના સેટનું જિલ્લા અને તાલુકાના ગ્રંથાલયોને વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમા રાષ્ટગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જી.પં.પ્રમુખ રામીબેન વાજા, પાલીકા પ્રમુખ પીયુશ ફોફંડી, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ, યુવા વિકાસ અધિકારી મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...