• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Meghalaya From Early Morning In Veraval Somnath Sutrapada Panth, Two And A Half Inches In Two Hours In Veraval Somnath And Half An Inch In Sutrapada

સાર્વત્રિક વરસાદ:વલસાડના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વેરાવળ-સોમનાથમાં બે કલાકમાં અઢી ઈંચ

વેરાવળ3 મહિનો પહેલા
વલસાડ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે
  • સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં સવારથી વરસાદ
  • અઠવાડિયાથી વરસાદની રાહ જોતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી
  • બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં મેઘ મહેર થઇ
  • જામનગર, જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડ્યો

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં હળવાથી ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સોમનાથ અને સુત્રાપાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.

વલસાડના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે, તેની વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

ગીર સોમનાથમાં મેઘરાજાની પધરામણીથી ઠંડક પ્રસરી
ગીર સોમનાથમાં મેઘરાજાની પધરામણીથી ઠંડક પ્રસરી

વેરાવળ-સોમનાથમાં બે કલાકમાં અઢી ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ
વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોય સવારે 8 થી 10 માં વેરાવળ સોમનાથમાં વધુ એક ઈંચ મળી આજે કુલ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડામાં વઘુ એક ઈંચ પડતા કુલ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાલાલામાં 16 મીમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં હતા
અઠવાડીયાથી મેઘરાજા હેત ન વરસાવતા હોવાથી વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા પંથક વાસીઓ અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ બંધાતો પરંતુ વરસાદ ન વરસતો હોવાથી સૌ કોઈ ચિંતાતુર બન્યા હતા. દરમ્યાન ગઈકાલે જ હવામાન વિભાગએ ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જે સાચી પડી હોય તેમ ગતરાત્રીથી વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલ બંધાવવા લાગેલ હતો અને રાત્રી દરમ્યાન ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો.

અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ
અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ

6 વાગ્યાથી મેઘરાજાની પધરામણી
આજે વહેલી સવારે 6 વાગ્યાથી મેઘરાજાની પધરામણી શરૂ થઈ હતી અને ધીમી પણ ધીંગી ધારે સતત વરસાદ વરસી રહ્યો હતો. સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગેલ જયારે શેરીઓમાં પાણી ભરાય ગયા હતા. તો અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

સોમનાથમાં મેઘરાજાનો જળાભિષેક
ઉત્તર ભારતમાં આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ આદિ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને મેઘરાજાએ શ્રીકાર વરસાદ વરસાવી જળાભિષેક કરતા હોય તેવો નજારો સોમનાથ સાનિધ્યે જોવા મળેલ હતો. આજે સવારથી શરૂ થયેલ મેઘસવારી આ લખાય ત્યારે પણ અવિરત ચાલુ હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસર્યાનો અહેસાસ લોકો અનુભવી રહ્યા હતા.

વાતાવરણમાં ઠંડક પ્રસર્યાનો અહેસાસ લોકો અનુભવી રહ્યા હતા
વાતાવરણમાં ઠંડક પ્રસર્યાનો અહેસાસ લોકો અનુભવી રહ્યા હતા

જામનગરમાં પણ વહેલી સવારથી વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવ મળી રહી છે. ગઈકાલે પણ કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી ત્રણ-ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ બે-કાઠે થઇ હતી તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે.

ધોરાજીમાં પણ વરસાદ પડ્યો છે.
ધોરાજીમાં પણ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ
રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. રાજકોટમાં ગઈકાલે 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગઇકાલે ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...