કોરોના પોઝિટિવ:કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ જૂનાગઢમાં MBBSનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો, મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવી

જૂનાગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતાં પ્રથમ વર્ષનું શિક્ષણકાર્ય ઓનલાઇન થયું

જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા
હાલ કોરોના રસીના ડોઝ આપવાનો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગત જાન્‍યુઆરીના અંતમાં જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ અને તેના 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમ છતાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા અને હોસ્‍ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો બે દિવસ પહેલાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. તેમજ કોલેજમાં પ્રથમ વર્ષમાં 200 જેટલા વિદ્યાર્થીઓ છે, આથી તેમને સંક્રમણ ન થાય એ માટે હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતા. હાલ તેમનું શિક્ષણકાર્ય ઓનલાઇન શરૂ કરી દેવામાં આવ્‍યું છે, જ્યારે પ્રેક્ટિકલ કોલેજ શરૂ થયા બાદ કરાવવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

બે ડોઝ લીધા પછી 10 દિવસ સાવચેતી જરૂરી
જાણકારોના મતે કોરોના વેક્સિનના એક મહિનાના અંતરે બે ડોઝ લેવાના રહે છે. બીજો ડોઝ લીધા બાદ 10 દિવસ પછી જે-તે વ્યકિતના શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થતા હોય છે. સૂત્રોના મતે જૂનાગઢમાં જે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે તેના બે ડોઝ પૂર્ણ થઈ ચૂક્યા હતા, પરંતુ બીજો ડોઝ લીધાના સાત દિવસ બાદ જ તે કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે રાહતની વાત એ છે કે વિદ્યાર્થીની તબિયત હાલ સ્થિર છે.