સમૂહલગ્ન:સુત્રાપાડાના હરણાસા ગામે આહીર સમાજના સમૂહ લગ્ન સાદગીપૂર્વક યોજાયા, 7 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સમાજના આગેવાનોએ નવદંપતિઓને આશીર્વાદ આપી આયોજનને બિરદાવ્યુ
  • સાદગીપૂર્વક સમુહલગ્નનું આયોજન સૌ કોઈ માટે પ્રેરણાદાયી

સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવા જ એક સમૂહ લગ્ન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં ગામની 7 દિકરીઓના લગ્ન એક જ માંડવા નીચે સાદગીપૂર્વક કરવામાં આવ્યા હતા. હરણાસા આહીર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને અન્ય સમાજના લોકો દ્વારા વધાવી લઈ આવકારી રહ્યા છે. સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર ગામના લોકોએ ઉત્સાહપૂર્વક યથાશક્તિ મુજબ ભાગીદારી નોંધાવી સમુહલગ્ન પ્રસંગને દિપાવ્યો હતો.

આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વગર અને ઢોલ-નગારા વગર એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. જેમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. સમુહલગ્નમાં કોઇપણ ભેદભાવ વગર સમસ્ત ગામએ એક પરિવાર બની ને પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો. સમૂહ લગ્નમાં જોડાવાથી સમાજ વચ્ચે લગ્ન થાય છે. જેને સમાજ- સંતોના આશીર્વાદ મળે છે અને દંપતીના જીવનમાં તે યાદગાર પ્રસંગ બની રહે છે.

સમાજ વચ્ચે દીકરીઓના લગ્ન થતા હોય તેનાથી રૂડો અને શુભ અવસર બીજો કોઈ ન હોઈ શકે. હરણાસા ગામે આહિર સમાજના સમુહ લગ્નમાં 7 નવ દપંતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં તમામ દપંતીઓને આહીર સમાજના આગેવાનો દ્વારા આર્શીવાદ આપવામાં આવ્યા હતા.

આહીર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા પંચાયતના સદસ્ય જેન્તી બારડ, સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા, જિલ્લા પંચાયતમાં સદસ્ય વિક્રમ ભાઈ પટાટ સહિતના આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...