આક્રોશ:જૂનાગઢ શહેરમાં પાંચ દિવસમાં પશુઓ રસ્તાઓ પરથી નહી હટે તો જન આંદોલન

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતા પશુ મુદ્દે મનપા તંત્રને કોંગ્રેસનું અલ્ટિમેટમ : ઇજાગ્રસ્તોને સહાય ચૂકવવા પણ માંગ

જૂનાગઢની જનતાને રખડતા ભટકતા પશુના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસે મનપા તંત્રને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. દિવસ 5માં યોગ્ય નહિ થાય તો જન આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. સાથે પશુ અડફેટે ઇજા પામેલા લોકોને સહાય ચૂકવવા પણ માંગ કરાઇ છે.આ અંગે શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિતભાઇ પટેલે જણાવ્યું છે કે, શહેરમાં દિનપ્રતિદિન રખડતા ભટકતા પશુનો ત્રાસ વધી રહ્યો છે.જાહેર માર્ગો પર આખલાની લડાઇના દ્રશ્યો પણ સામાન્ય બની ગયા છે. અનેક લોકો પશુ હડફેટે ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક મોતને પણ ભેંટયા છે.

છત્તાં મનપા તંત્રની આંખ ઉઘડતી નથી. બુધવારની ઘટનામાં જ પશુ હડફેટે 2 દંપતિ ઇજાગ્રસ્ત બન્યા છે અને 7 વાહનોને નુકસાન થયું છે. ત્યારે આ મામલે મનપાને 5 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે, રસ્તે રખડતા પશુને પકડી ડબ્બે પૂરી લોકોને આ ત્રાસથી મુક્તિ અપાવે. સાથો સાથ પશુ અડફેટે ઇજાગ્રસ્ત થયેલાને સહાય આપવાની પણ માંગ છે. જો દિવસ 5માં આ મામલે યોગ્ય નહિ થાય તો જન આંદોલન કરવાની અમિતભાઇ પટેલે ચિમકી ઉચ્ચારી છે.

શહેરમાં રખડતા પશુના ત્રાસની ફરિયાદ કોઇ સાંભળતું નથી
જૂનાગઢ શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અવાર નવાર વાહનચાલકો તેમજ રાહદારીઓને પશુઓ હડફેટે લઇ ઇજાગ્રસ્ત બનાવે છે. આ અંગે રમેશભાઇ ખુંટે જણાવ્યું હતુ કે, પશુઓના ત્રાસ અંગે જૂનાગઢ મનપાના 40 કોર્પોરેટર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. છતાં કોઇના પેટનું પાણી પણ હલતું નથી. ખાસ કરીને સામાન્ય માણસ ઇજાગ્રસ્ત બને છે. તેના કારણે અધિકારીઓ, પદાધિકારીઓ ધ્યાન ન દેતાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...