મત ગણતરીની સાથે સાથે:ઊના-ગીરગઢડામાં લોકોની ચીચીયારી સાથે અનેક અપસેટ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ગ્રામ્યની ચૂંટણીમાં થયેલ મતદાનની મતગણતરી બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી હતી. મતગણતરી શરૂ થતા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે બહાઉદ્દીન કોલેજ ખાતે ઉમટી પડયા હતા. - Divya Bhaskar
જૂનાગઢ ગ્રામ્યની ચૂંટણીમાં થયેલ મતદાનની મતગણતરી બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી હતી. મતગણતરી શરૂ થતા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે બહાઉદ્દીન કોલેજ ખાતે ઉમટી પડયા હતા.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં આ લખાઇ રહ્યું છે ત્યારે મોડી સાંજે મત ગણતરી માંડ અડધે સુધી પહોંચી છે. બીજી તરફ પોતાના ગામ કે સરપંચનો વારો ક્યારે આવશે એના કૂતુહલ સાથે ગણતરી કેન્દ્રોની બહાર સવારથી લોકોની ભીડ જોવા મળતી હતી.

મત ગણતરી મથકની બહાર ઉભેલા ખાણીપીણી, ચાની લારી, પાન વાળાને આજે તડકો પડી ગયો હતો. આખો દિવસ સારી એવી ઘરાકી રહી હતી. ચૂંટણી ગ્રામ પંચાયતોની હોવાની શહેરી વિસ્તારોમાં સહેજપણ ઉત્તેજના નહોતી. જ્યારે ગામડાઓમાં ક્યાંક ઉત્સવનો માહોલ હતો. તો ક્યાંક ચકલું પણ ન ફરકે એવી શાંતી હતી. મત ગણતરીના પ્રથમ દિવસે આપણા ગામનો વારો ક્યારે આવશે? આપણને ક્યારે અંદર બોલાવશે? એવા સવાલોનો મારો ચાલતો રહ્યો હતો. ઉમેદવારોના ટેકેદારો આખો દિવસ તપશ્ચર્યા કરતા જોવા મળ્યા હતા. હજુ જોકે, મત ગણતરી આખી રાત ચાલશે. કદાચ આવતીકાલે ગણતરી પૂરી થાય એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

ઊના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચુંટણીના મતગણત્રી વહેલી સવારથી ઉના શાહ એચ. ડી. હાઇસ્કુલ તેમજ ગીરગઢડા સરસ્વતી સ્કુલ ખાતે શરૂ કરાઇ હતી. અને મોટી સંખ્યામં સરપંચના ઉમેદવારો તેમજ વોર્ડના સભ્ય તથા તેમના ટેકેદારો સાથે ઉમટી પડેલા અને મોડી સાંજ સુધીમાં ગીરગઢડા તાલુકાની 42 ગ્રામ પંચાયત માંથી 25 ગ્રામ પંચાયતોના પરીણામો જાહેર થયેલા જેમાં ઊના તાલુકાની 66 ગ્રામ્ પંચાયતો માંથી 23 ગ્રામ પંચાયતના પરીણામ જાહેર થયા છે. જેમાંથી અનેક ગ્રામ પંચાયતોમાં ભારે અફસેટ સર્જાતા પરીણામો આવતા ભાજપ કોંગ્રેસના ટેકેદારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા હતો. ખુદ જિલ્લા પંચાયતના સભ્યના ગામમાં પણ તેમના ટેકેદારોની પેનેલો સરપંચ તરીકે ન ચૂંટાતાં એની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.

સામાન્ય રીતે ગ્રામ પંચાયતોમાં કોઇપણ રાજકીય પાર્ટીના સિમ્બોલ પર ચુંટણી યોજાતી નથી. પરંતુ તેના ટેકેદારો આ ચુંટણી કરતા હોય છે. જેમાં ઘણીજ પંચાયતના પરીણામો પર નજર કરવામાં આવે તો ઉનાના સીમર, કેસરીયા, માણેકપુર, ધોકડવા, જામવાડા, જીલ્લા પંચાયતના સભ્યના ગામોમાં પોતાના ટેકેદારોનો પરાજય થયેલ છે.

જિલ્લા પંચાયતના સભ્યના ટેકેદારો હાર્યા
સીમર, કેસરીયા, ધોકડવા, જામવાળા ગ્રામ પંચાયતમાં જિલ્લા પંચાયતના સભ્યના ટેકેદારોજ હાર્યા છે. તો તાલુકા પંચાયતના પ્રમુખના ગામની પંચાચતમાં પણ તેમના ટેકેદારોનો પરાજય થયો છે. દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાસુ-વહુ વચ્ચે ચૂંટણી જંગ મંડાયેલ છે. તેમાં વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયાના પત્નિની પેનલ આગળ છે. તસવીર: જયેશ ગોંધીયા

ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે તાલાલામાં મતગણતરી, વિજેતા સરપંચોનું ગામડાઓમાં વિજય સરઘસ
તાલાલા તાલુકાની 31 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેનું મંગળવારના રોજ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં વિજેતા થનાર સરપંચો અને પેનલનાં સભ્યોનું ગામડાઓમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પંચાયતી રાજનાં નવા સુકાનીઓ આજે વિજેતા જાહેર થતાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.

તાલાલાની ચૂંટણીની મતગણતરી આલ્ફા વિદ્યા સંકુલ ખાતે ચૂસ્ત પોલીસ બંધોબસ્ત સાથે યોજવામાં આવી હતી. જેમાં બાર ટેબલ ઉપર ત્રણ રાઉન્ડમાં ગાણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં 12 ગામોમાંથી પરીણામ જાહેર થવા લાગતા ગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો તથાં ટેકેદારો પોત પોતાનાં ગામના પરીણામ જોતા ઢોલ-નગારા સાથે ઝુમતા જોવા મળ્યા હતા. જ્યારે હારેલા ઉમેદવારોએ પણ જનાદેશ સ્વીકારી શુભેચ્છા પાઠવી હતી. મતગણતરીની કામગીરી ચોક્સાય પુર્વક થાય તે માટે ડીવાયએસપી ઓમ પ્રકાશ જાટ, પીઆઈ ચૌધરી, પીએસઆઈ મકવાણા સહિતનાં સ્ટાફે મતગણતરી દરમ્યાન ચૂસ્ટ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જ્યારે હાલ પણ મતગણતરી શરૂ હોય અને બાકી રહેલી સાત ગ્રામ પંચાયતોની મોડી સાંજ સુધીમાં મતગણતરી પુરી થશે તેમ વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

શાપુરના સરપંચ તરીકે નિતીન ફળદુ વિજયી
વંથલી તાલુકાના શાપુરના સરપંચના ઉમેદવાર નિતીનભાઇ વાલજીભાઇ ફળદુનો પોતાની પેનલના તમામ 12 વોર્ડમાં જીત્યા છે.

માળિયામાં ચૂંટણીનું રિઝલ્ટ જાણવા અભૂતપૂર્વ ધસારો
માળિયા હાટીના તાલુકાના 54 ગામની સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાણવા માટે માળિયાની સરકારી હાઈસ્કુલ બહાર 5000થી વધુ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ઈન્ચાર્જ ડીવાયએસપી, માળિયા પીએશઆઈ મઘરાં દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે 54 માથી 35 ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થતાં પરિણામો જાહેર કરાયા હતા. અન્ય 20 ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી હાલ ચાલી રહી છે. તસવીર: મહેશ કાનાબાર

ભેંસાણ મતગણતરી કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
ભેંસાણ : ભેંસાણ તાલુકાની મંગળવારે મતગણતરી સરકારી કોલેજ ખાતે શરૂ કરાઈ હતી. પરંતુ મતગણતરી કોલેજના ખુલ્લા મેદાનમાં શરૂ કરાતાં સરપંચ, કાર્યકરો અને એજન્ટો માટે બેસવા તથા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ કરવામાં આવી ન હતી. આથી સરપંચ, એજન્ટો સહિતનાં ઝાડના ઓછ નીચે અને ખુલ્લા મેદાનમાં તકડે બેસી રહી સમય પસાર કરતા તસ્વિરમાં નજરે પડે છે. ચૂંટણી અધિકારી દ્વારા પ્રાથમિક સુવિધા પણ પુરી ન પાડતા રોષની લાગણી જોવા મળી હતી. તસવીર: અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...