ભાસ્કર એક્સક્લુઝીવ:મનપાની ઓક્ટ્રોય ગ્રાન્ટ 2 કરોડ, પગાર ખર્ચ 3 કરોડ

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઓક્ટ્રોયના છેલ્લા વર્ષે કડકાઇથી ઉઘરાણી કરી હોત તો આજે પગારના ફાંફા ન પડત

જૂનાગઢ મનપામાં ચાવીરૂપ અધિકારી અને કર્મચારીઓની જગ્યાઓ ઇન્ચાર્જ અને એ પણ ફીક્સ પગારવાળા અધિકારી-કર્મચારીઓ આધારીત છે. ત્યારે કર્મચારીઓના પગાર માટે મળતી ઓક્ટ્રોયની આવક અને ખર્ચ વચ્ચે આશરે 1 કરોડ રૂપીયાની ખાધ કારણભૂત છે. આ ખાધ ખુદ જેતે વખતની ઓક્ટ્રોય શાખાની ઢીલી નિતીને આભારી છે.

તા. 15 નવેમ્બર 2007 ની રાત્રે 12 વાગ્યાથી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ઓક્ટ્રોય ઉઘરાવવાનું બંધ થયું. એ તારીખથી આગળના 3 વર્ષની સરેરાશ વાર્ષિક ઓક્ટ્રોયની રકમ દરેક મહાનગરપાલિકાઓને રાજ્ય સરકાર ચૂકવે છે. ઓક્ટ્રોય ઉઘરાવવાના છેલ્લા વર્ષે રાજ્યની બીજી મહાનગરપાલિકાઓમાં કડકાઇથી જકાતની વસુલાત થતી હતી.

સહેજ પણ ઢીલાશ નહોતી રખાતી. કારણકે, ત્યાંના અધિકારી-કર્મચારીઓ તેની ગંભીરતા અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા. જેનો અભાવ જૂનાગઢમાં હતો. પરિણામ નજર સામે છે. જૂનાગઢમાં એ વખતે ઓક્ટ્રોયની વસુલાત વર્ષોથી ચાલી આવતી એમજ ઢીલાશથી થતી રહી. આગળના વર્ષોમાં શું થશે એની કોઇએ ચિંતા જ ન કરી.

જો એ વખતે ઓક્ટ્રોયની વસુલાતમાં એક વર્ષ પૂરતો પણ ભ્રષ્ટાચાર ન થયો હોત તો આજે ઓક્ટ્રોયની ગ્રાન્ટ આશરે 5 કરોડ જેવી આવતી હોત. અને આથીજ આજે જૂનાગઢ મનપાને પગાર કરવાના ફાંફા પડે છે. સરકારમાંથી ઓક્ટ્રોયની ગ્રાન્ટ અંદાજે વાર્ષિક 2 કરોડ જેટલી આવે છે. તેની સામે ખર્ચ 3 કરોડ છે. અને એ પણ ઓછોજ છે.

પરિણામે જેટલી વખત જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ નવું સેટઅપ મંજૂર કરીને મોકલે છે એટલીવાર શહેરી વિકાસ વિભાગ તેને નામંજૂર કરીને પાછું મોકલે છે. આની સામે બીજી મહાનગરપાલીકાઓમાં ઓક્ટ્રોયની ગ્રાન્ટ પગાર ખર્ચ કરતાં ક્યાંય વધુ આવે છે. તેથી ત્યાંના કર્મચારીઓને લાગુ પડતા તમામ પગાર પંચનો અને તેના એરિયર્સનો લાભ તરતજ મળી જાય છે.

જ્યારે જૂનાગઢ મનપામાં હજુ પાંચમા, છઠ્ઠા અને સાતમા ત્રણેય પગાર પંચના એરિયર્સ નથી ચૂકવાયા. વળી કાયમી અધિકારી કે ઇજનેરની ભરતી થઇ શકતી ન હોવાથી લોક સુવિધાના કામો કરવામાં પણ મુશ્કેલી પડે છે. સૌથી વધુ મુશ્કેલી ટેક્નીકલ કાર્યોની અમલવારીમાં થાય એ સ્વાભાવિકજ છે. ટૂંકમાં, 15 વર્ષ પહેલાં જો ઓક્ટ્રોયની વસુલાતમાં કચાશ ન રખાઇ હોત તો આજે મનપાને સ્ટાફની તંગી અને તેને લીધે માળખાકીય કામોની અમલવારીમાં મુશ્કેલી ન પડતી હોત.

પાવર કમીટીમાં રજૂઆત થઇ શકે
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. 6 ફેબ્રુ. 2006 ના ઠરાવ ક્રમાંક એઆઇએસ-102005-સીએસઆર-66 થી મનપા અને સરકાર વચ્ચેના કોઇ વિવાદ હોય તો તેના નિરાકરણ માટે પાવર કમીટી રચી છે. પણ હજુ સુધી તેમાં કોઇ રજૂઆત થઇ નથી. જો થઇ હોય તો તેનું નિરાકરણ પણ આવ્યું જ હોય. અને પગાર માટેની ગ્રાન્ટનો કોઇક તો નિવેડો આવીજ ગયો હોત.

સેટઅપ હોય તો જ ભરતી થાય
નવી કાયમી ભરતી માટે મનપાના કર્મચારીઓનું સેટઅપ મંજૂર થયેલું હોવું જોઇએ. પણ એજ મંજૂર નથી થયું. આથીજ ઇન્ચાર્જ, આઉટસોર્સીંગ અને એપ્રેન્ટીસ કર્મચારીઓથી કામ ચલાવવું પડે છે.

10 ટકા લેખેનો વધારો પણ નથી આવતો
જાણવા મળ્યા મુજબ, ઓક્ટ્રોયની ગ્રાન્ટમાં વખતો વખત સમીક્ષા કરીને તેમાં વધારો થવો જોઇએ. સામાન્ય રીતે 10 ટકા પણ વધારો થવો જોઇએ. જોકે, જૂનાગઢ ઉપરાંત અન્ય મનપાને પણ આવો વધારો સરકાર ભાગ્યેજ આપે છે.

અન્ય સમાચારો પણ છે...