વેસ્ટમાંથી બેસ્ટ:જૂનાગઢ મહાનગરપાલિકા કચરામાંથી CNG બનાવી સીટી બસ ચલાવશે, 4.69 કરોડનો બાયો મિથેનેશન પ્લાન્ટ કાર્બન ક્રેડિટ સર્જી વર્ષે 20.25 લાખ કમાશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ઇવનગર ખાતે કાર્યરત થયેલો બાયોમિથેનેશન પ્લાન્ટ - Divya Bhaskar
જૂનાગઢના ઇવનગર ખાતે કાર્યરત થયેલો બાયોમિથેનેશન પ્લાન્ટ

જૂનાગઢ મનપા હવે શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનાર તે ગુજરાતની પ્રથમ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડિયાએ જૂનાગઢના ઇવનગર ખાતે મનપા દ્વારા રૂ. 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટનામાંથી જૂનાગઢે રાજ્યમાં આ પહેલ કરી છે.

જૂનાગઢ મનપાના અલ્પેશ ચાવડાએ કહ્યું હતું કે, શહેરમાંથી રોજ 130 ટન કચરો હોટલ, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી એકઠો થાય છે. એ પૈકી 50 ટન કચરો ભીનો હોય છે. આ ભીના કચરામાં રસોડાનો એંઠવાડ, શાકભાજીનો અને બીજો ભીનો કચરો સામેલ હોય છે. હવે આ પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે. વળી કાર્બન ક્રેડિટ થકી જે કમાણી થશે એ જુદી. જૂનાગઢ મનપાને આ પ્લાન્ટ થકી યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રીની મંજૂરી મળી ગઇ છે. જે તેને ખુલ્લા બજારમાં વેચશે. આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાને સોંપાઇ છે. જે 5 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે.

કાર્બન ક્રેડિટ આ સ્થિતિમાં ખરીદવા પડે
કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પર ફ્લોરો કાર્બન, હાઇડ્રો ક્લોરો કાર્બન અને સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડથી ગ્લોબલ વોર્મીંગ વધે છે. આ પૈકી કોઇ ગેસને હવામાં જતો અટકાવો અને તેનું દસ્તાવેજીકરણ કરો એટલે કાર્બન ક્રેડિટ જનરેટ થાય. જો ન અટકાવી શકે એમ હોય તો એવા પ્લાન્ટે કાર્બન ક્રેડિટ ખરીદવા પડે. જો ન ખરીદે તો 1 ટન કાર્બનના ઉત્સર્જન દીઠ 50 ડોલર પેન્લ્ટી ભરવી પડે. જેનો હાલનો વૈશ્વિક ભાવ 1 ક્રેડિટના 3 અમેરિકી ડોલર એટલેકે લગભગ રૂ. 225 છે. - વિહાર પંચોલી, ડાયરેક્ટર, ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રી

મનપાને કમાણી કેવી રીતે થશે?
જો 2 ઘનમીટરનો બાયોગેસ પ્લાન્ટ હોય તો વર્ષે 3.5 કાર્બન ક્રેડિટ મળે. તેની સામે મનપાનો આ પ્લાન્ટ 1200 ઘનમીટરનો છે. જે મીથેનમાંથી સીએનજી બનાવશે. એમાંથી તેને 4000 કાર્બન ક્રેડિટ મળશે. અને સીએનજી સીટી બસ શરૂ થશે એમાંથી 4,500 કાર્બન ક્રેડિટ મળશે. અંદાજે 9000 ક્રેડિટની ગણતરી કરતાં વર્ષે 20.25 લાખની કમાણી થશે.

1 માસ પછી ગેસ ઉત્પન્ન થશે
મનપાને અત્યારે આ પ્લાન્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવા 600 ટન કચરો જોઇશે. તેની પ્રોસેસ શરૂ થયા બાદ 1 મહિના પછી તેમાંથી બાયો સીએનજી ગેસ મળવા લાગશે. એદ ગેસની બોટલો ભરવામાં આવશે.

કાર્બન ક્રેડિટ કેવી રીતે સર્જાય
સોલાર પ્રોજેક્ટ, વીન્ડ ટર્બાઇન, હાઇડ્રો પાવર પ્લાન્ટ, બાયોગેસ અથવા ગોબર ગેસ પ્લાન્ટ.

આજ ગેસથી સિટી બસ ચાલશે
મનપા એજન્સી પાસેથી બજાર કરતાં કિલો દીઠ 2 રૂપિયા સસ્તો સીએનજી મેળવશે. અને એમાંથી સીટી બસ ચલાવશે.

અન્ય સમાચારો પણ છે...