શહેરના ઝાંઝરડા રોડ પર મનપાની માલિકીની ઇગલ હાઇટ્સ પાસે એક બોર્ડ મંજૂરી વિના લગાડી દેવાયું હોવાની જાણ થતા વોર્ડ ઇન્સ્પેકટરે રોજકામ કર્યું હતું. રોજકામમાં જણાવ્યા મુજબ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા મનપાની જગ્યામાં મંજૂરી વિના જ 20 બાય 10ના સાઇઝનું બોર્ડ લગાવી દેવાયું હતું. ત્યારે આ બોર્ડ પ્રદર્શિત કરવાનો દંડ રૂપિયા 1,18,960 અને જીએસટીના 21,412 મળી કુલ 1,40,372નો દંડ રેવન્યુ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટે ફટકાર્યો છે.
આ સાથે આ દંડની રકમ 3 દિવસમાં ભરપાઇ કરવાની તેમજ આ બોર્ડ સત્વરે ઉતારી લેવા માટે તાકીદ કરાઇ છે. જો આ બોર્ડ નિયત સમય મર્યાદામાં ઉતારી લેવામાં નહિ આવે તો મહાનગરપાલિકા દ્વારા આ બોર્ડ ઉતારી લેવામાં આવશે અને તેનો જે પણ ખર્ચ થશે તે પણ મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યુટે ભોગવવાનો રહેશે.
આ રકમ વસુલવા માટે જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની પણ તાકીદ કરાઇ છે. આ સાથે દબાણ શાખાને પણ જાણ કરી મિશન કોચિંગ ઇન્સ્ટિટ્યુટ દિવસ 3માં બોર્ડ ન હટાવે અને નાણાં ન ભરે તો બોર્ડ દૂર કરવા સૂચના અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.