જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક જગ્યાઓ ખાલી રહે છે. તેમ છત્તાં તેમાં રેગ્યુલર ભરતી કરવાના બદલે માત્ર ઇન્ચાર્જથી જ ગાડું ગબડાવવામાં આવે છે. પરિણામે અધિકારીઓ એક કરતા વધુ હોદ્દાના કારણે સતત કામના ભારણ હેઠળ રહે છે અને જનતાના કામો પણ થતા નથી.
ત્યારે આવી મહત્વની પોસ્ટ પર રેગ્યુલર ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે, ઇન્ચાર્જ નાયબ કમિશ્નરની રાજકોટ બદલી થતા આસિસ્ટન્ટ કમિશ્નર(વહિવટ) જયેશ વાજાને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશ્નર(ટેક્ષ) અને નાયબ કમિશ્નરનો ચાર્જ સોંપાયો છે.
જ્યારે બાંધકામ શાખાના દિપક ગૌસ્વામી પાસે નાયબ કાર્યપાલકનો હોદ્દો છે. તેને સિટી ઇજનેર, કાર્યપાલક ઇજનેરનો, રાજીનામું આપનાર હિતેશ વામજાનો નાયબ કાર્યપાલકની અને જૂનિયર ટીપીઓની જવાબદારી સોંપાઇ છે. સેક્રેટરી કલ્પેશભાઇ ટોલીયાને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અને ચિફ ઓડિટરની વધારાની જવાબદારી સોંપાઇ છે. ચિફ ઓડિટરનો ઓર્ડર થઇ ગયો છત્તાં હાજર ન થતા ચાર્જ સોંપાયો છે.
વોટર વર્કસના કાર્યપાલક ઇજનેર કલ્પેશભાઇ ચાવડાને અમૃત સ્કિમ, ભૂગર્ભ ગટર નોડલ ઓફિસર અને વાહન શાખાની વધારાની જવાબદારી સોંપાઇ છે. ચિફ સર્વેયર ભરતભાઇ ડોડીયાને ફાયર ઓફિસરની વધારાની જવાબદારી સોંપાઇ છે. આમ, મહાનગરપાલિકાની 48 શાખામાં 24 શાખા તો ઇન્ચાર્જથી ચાલે છે. જ્યારે ટેક્નિકલ સ્ટાફ પણ માત્ર 10 ટકા જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.