જૂનાગઢ શહેર તથા જિલ્લાના તાલુકા મથકોએ શાખા ધરાવતી શ્રીજી ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી નાંણા ઉઘરાવ્યા હતા. બાદમાં રોકાણકારોની એફ.ડી.ની પાકતી તારીખ આવતા વ્યાજ સાથેની રકમ પરત આપવાના બદલે હાથ ઉંચા કરી દઇ ધુંબો મારી દીધો હતો. સોસાયટીની માયાજાળમાં જુનાગઢ બ્રાંચના મેનેજરે પોતે તથા સગાસંબંધીઓના લાખો રૂપિયાનું રોકાણ કરેલ જે રકમ સોસાયટીના ચેરમેન સહિતના સંચાલકો પરત આપતા ન હોવાથી બ્રાંચ મેનેજરે પોલીસવડાને લેખિત ફરિયાદ કરી ન્યાય અપાવવા માંગણી કરી છે.
આ પ્રકરણની જાણવા મળેલ વિગતોનુસાર જૂનાગઢ જીલ્લાના મેંદરડામાં સાસણ રોડ પર આવેલી શ્રીજી ક્રેડીટ કો-ઓપરેટીવ, સોસાયટીની જુનાગઢ શહેર, કેશોદ, વિસાવદર, માંગરોળ, માણાવદરમાં શાખા કાર્યરત હતી. મેંદરડામાં મુખ્ય ઓફિસ ધરાવતી આ ક્રેડીટ સોસાયટીની જુનાગઢ બ્રાંચમાં હેમાંગ રણજીતાભઈ કેલૈયા બ્રાંચ મેનેજર તરીકે કામ કરતા હતા. ગત તા.15-10-2017 થી તેઓ શ્રીજી ક્રેડીટ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, એમ.ડી. પરાગ નિમાવત અને મેનેજર ઉતમ કાછડીયા વતી ધિરાણ કર્તાની દૈનિક બચત બેંક, પાસબુકમાં એન્ટ્રી કરી ધિરાણ સ્વીકારતા હતા. આ ઉપરાંત વાહનો માટે લોન લેનારની ફાઈલ તૈયાર કરી મોકલતા અને રોજે રોજના હિસાબો રાખતા હતા. આ દરમિયાન એક રોકાણકારની એફ.ડી.ની રકમ પાકતાં ક્રેડીટ સોસાયટીના ચેરમેન સહિતનાઓએ તે રકમ ચુકવવાનો ઈન્કાર કરી જુનાગઢ બ્રાંચના મેનેજરને તું તારી રીતે સમજાવી દે એ માટે જ તેને નોકરીએ રાખ્યો છે. તેમ કહ્યું હતું.
હેમાંગભાઈએ પોતાની નોકરી દરમિયાન પોતાના દસેક લાખ તથા તેમના સગા-સંબંધીઓના પૈસા ક્રેડીટ સોસાયટીમાં રોકયા હતા. પરંતુ તે નાણા પણ ક્રેડીટ સોસાયટીના સંચાલકો પરત આપતા ન હતા. અમોએ અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે. ત્યાંથી આવશે એટલે આપીશું તેવા જવાબ આપીને ઉઘરાણી કરવા આવતા નહી તેવી ધમકી આપતા હતા. જુનાગઢ બ્રાંચના મેનેજર હેમાંગભાઈએ જણાવેલ કે, જુનાગઢ શહેરના લોકોના દોઢેક કરોડ રૂપિયા ફસાયા છે. જયારે જુનાગઢ જિલ્લામાં કાર્યરત સોસાયટીની 8 જેટલી શાખાઓમાં હજારો લોકોના અંદાજે 15 કરોડથી વધુ રકમ ફસાય છે. હાલ તો શ્રીજી ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીની તાલુકા કક્ષાએ આવેલી તમામ શાખાઓ બંધ થઈ ગઈ છે. જેથી રોકાણકારોને કોઈ જવાબ મળતો નથી. હાલ તો આ ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કરનાર લોકોને ધુંબો લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે સંચાલકો સામે ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે.
જેથી આ અંગે જુનાગઢ બ્રાંચના મેનેજર હેમાંગભાઈ કેલૈયાએ પોતાની સાથે તથા અન્ય રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી અંગે શ્રીજી ક્રેડીટ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, એમ.ડી.પરાગ નિમાવત અને મેનેજર સામે ગુનો નોંધાવાની માંગણી સાથે પોલીસવડાને લેખિત ફરીયાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.